નવરાત્રિ વૅકેશન : સરકારના નિર્ણયની ઉપેક્ષા કરી સુરતમાં સેંકડો શાળા ચાલુ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 : રાજ્ય સરકારના નવરાત્રિ વેકેશન આપવાના નિર્ણય બાદ શાળા સંચાલકોએ સરકારનાં નિર્ણય સામે વિરોધનું બ્યુગલ ફુંક્યું છે. શહેરની સ્વનિર્ભર 400 શાળાઓનાં સંચાલકોએ શાળા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રત્નકલાકારોનાં 21 દિવસનાં દિવાળી વેકેશન અને નવરાત્રિ વેકેશનને કારણે બાળકોનું શાળાનું વેકેશન બન્ને વચ્ચે 10 દિવસનો તફાવત ઊભો થતાં સૌરાષ્ટ્રીયન વસ્તી ધરાવતી વરાછા, કતારગામ, વેડરોડ વિસ્તારની સેંકડો શાળાઓ આજે ચાલુ રહી હતી. જ્યારે બીજી તરફ શહેરની સ્વનિર્ભર શાળાઓએ સરકારનાં નવરાત્રિ વેકશનનાં ફતવાને ફગાવીને શાળાઓ ચાલુ રાખી હતી.
શહેરનાં રત્નકલાકાર સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપીને રાજ્ય સરકારનું નવરાત્રિ વેકેશન મરજિયાત કરવાની માગ કરી હતી. શહેરનાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નવરાત્રિમાં શાળાઓ ચાલુ રાખવાની અને દિવાળીનાં તહેવારમાં નિયમ મુજબ રજાઓ આપવામાં આવશે તેવું જાહેર કર્યું છે. આજે સરકાર માન્ય શાળાઓએ વેકેશન પાળ્યું છે તો સ્વનિર્ભર શાળાઓ ચાલુ રહી છે.
 
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer