કૉંગ્રેસ દેશભરમાં ગુજરાત જેવી હિંસા ભડકાવવા માગે છે : વિહિપ

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 10 : વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ એવો આરોપ લગાવ્યો છે કે, એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના આધાર પર સમગ્ર ગુજરાતને ઘૃણાની આગમાં ધકેલવાનું પાપ કરનારી રાહુલ ગાંધીની કૉંગ્રેસ સંપૂર્ણ દેશને આવી આગમાં ફેંકવાનું ષડ્યંત્ર કરી રહી છે.
વિહિપના આંતરરાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે અત્રે જણાવ્યું હતું કે, સત્તા પ્રાપ્તિ માટે રાહુલ ગાંધી દેશને હિંસા અને ઘૃણાની આગમાં ધકેલવા તમામ મર્યાદાઓ ઓળંગી રહ્યા છે અને હવે તો વારાણસીમાં પણ કેટલાક કૉંગીઓએ પ્રદર્શન કરીને ધમકી આપી છે કે, તેઓ વારાણસીમાંથી પ્રરપ્રાંતીયોને ભગાડી દેશે. તેમણે જણાવ્યું હતું કે, આજે દેશમાં ક્યાં પણ હિંસાના બનાવો પાછળ કૉંગ્રેસના નેતૃત્વમાં સેક્યુલર બિરાદરીનો હાથ સ્પષ્ટ જોવા મળે છે અને વિહિપે તેની નિંદા કરતાં ઉત્તર પ્રદેશની સરકારને એવી અપીલ કરી છે કે, વારાણસીના અસમાજિક તત્ત્વો સામે કડક હાથે કામ લેવામાં આવે જેથી આવી આગ ત્યાં ભડકે નહીં.
વિહિપ ગુજરાતમાં રહેતાં પરપ્રાંતીયોને એવું આશ્વાસન આપે છે કે તેના કાર્યકર્તાઓ તેમની સાથે છે અને મુઠ્ઠીભર અસામાજિક તત્ત્વોને કારણે તેમણે ગભરાવવાની કે પલાયન કરવાની જરૂર નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વિહિપ અને બજરંગ દળના કાર્યકર્તાઓ બિનગુજરાતીઓની વસાહતોમાં જઈને તેમને તમામ પ્રકારની સહાય કરશે અને તેમને ગુજરાત છોડી નહીં જવાની અપીલ કરશે. વિહિપે ગુજરાતમાં 24 કલાક કાર્યરત હેલ્પલાઈન સેવાનો પણ પ્રારંભ કર્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer