દિલ્હી સરકારના પ્રધાન કૈલાસ ગેહલોતનાં સ્થળો પર દરોડા
દિલ્હી સરકારના પ્રધાન કૈલાસ ગેહલોતનાં સ્થળો પર દરોડા
આઇટી વિભાગે 16 જગ્યાએ છાપા મારતાં આપ-કેજરીવાલનો કેન્દ્ર સરકાર પર તીખો હુમલો
નવી દિલ્હી, તા.10 : આવકવેરા વિભાગે આજે સવારે દિલ્હી સરકારના મંત્રી કેલાસ ગેહલોતના 16 સ્થળો પર દરોડા પાડયા હતા. બીજીતરફ આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના મંત્રી પર આઈટી દરોડાને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી છે. દરોડાના તુરંત બાદ આપના ટ્વિટર હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું હતું કે અમે જનતાને સસ્તી વીજળી આપી રહ્યા છીએ, મફત પાણી આપી રહ્યા છીએ, સારી શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા આપીએ છીએ. સરકારી સેવા ઘર-ઘર સુધી પહોંચાડી રહ્યા છીએ અને તેઓ સીબીઆઈ, ઈડી પાસે અમારા નેતાઓ, મંત્રીઓના ઘેર દરોડા પડાવી રહ્યા છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર હુમલો બોલતાં જણાવ્યું હતું કે નીરવ મોદી, માલ્યાથી દોસ્તી અને અમારા પર દરોડા? મોદીજી, તમે મારા પર, સત્યેન્દ્ર પર અને મનીષ પર પણ દરોડા પડાવ્યા હતા તેનું શું થયું? કાંઈ મળ્યું? ન મળ્યું? નવી રેઈડ પાડતા પહેલાં દિલ્હીવાસીઓ પાસે તેમની ચૂંટેલી સરકારને નિરંતર પરેશાન કરવા માટે માફી તો માગી લો..
અધિકારીઓ અનુસાર દિલ્હીના મંત્રીથી જોડાયેલી બે ફર્મ સામે જારી કરચોરીની તપાસ અંગે આ દરોડા પાડવામાં આવ્યા હતા. 16 સ્થળ પર પાડવામાં આવેલા છાપામાં આઈટીના આશરે 30 અધિકારી સામેલ હતા. ઉલ્લેખનીય છે કે ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન, કાનૂન અને મહેસૂલ મંત્રી છે અને નજફગઢથી આપના ધારાસભ્ય છે.