આંધ્ર-ઓડિશા તરફ ફંટાયેલું વાવાઝોડું `િતતલી'' બન્યું પ્રચંડ

ઓડિશામાં હાઈ એલર્ટ, 145 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા
ભુવનેશ્વર, તા. 10: બંગાળની ખાડી ઉપર બની રહેલા દબાણના કારણે આવેલાં ચક્રવાતી તોફાન તિતલીએ આજે બુધવારે પ્રચંડ રૂપ ધારણ કર્યું હતું. આ તોફાન ધીમી ગતિએ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે ચક્રવાત તિતલી 10 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુરુવાર સવાર સુધીમાં તિતલીની તિવ્રતા હજી પણ વધશે અને 145 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે. ઓરિસ્સા સરકારે તિતલી તોફાનને ધ્યાને લઈને સુરક્ષા અને રાહત એજન્સીઓને સતર્ક રહેવા કહ્યું છે. 
હવામાન વિભાગે બુધવારે જારી કરેલી આગાહીમાં ઓરિસ્સાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. જે જિલ્લાને રેડ એલર્ટ ઉપર રાખ્યા છે તેમાં ગજપતિ, ગંજમ, પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, ભદ્રક અને બાલસોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખુર્દા, નયાગઢ, કટક, જાજપુર, ઢેંકાનાલ, રાયગઢ, કંધામલ અને કેંવઝરને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓરિસ્સાનાં તમામ શાળા - કોલેજો અને આંગણવાડી કેન્દ્રોને બુધવારથી નવા આદેશ સુધી બંધ રાખવાનો આદેશ થયો છે. એવું અનુમાન છે કે, તિતલી ચક્રવાત ગોપાલપુર અને કલિંગપટનમ વચ્ચે ગુરુવારે સવારે આવી પહોંચશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer