ઉત્તર પ્રદેશમાં ન્યૂ ફરક્કા એક્સ્પ્રેસ પાટા પરથી ઊથલી : 7નાં મૃત્યુ

ઉત્તર પ્રદેશમાં ન્યૂ ફરક્કા એક્સ્પ્રેસ પાટા પરથી ઊથલી : 7નાં મૃત્યુ
રાયબરેલી નજીક અકસ્માતમાં 20 યાત્રીને ઈજા : રેલવેપ્રધાનની મૃતકના પરિવારજનોને $ પાંચ લાખની સહાયની ઘોષણા
રાયબરેલી, તા. 10: ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં બુધવારે સવારે ન્યુ ફરક્કા એક્સપ્રેસના 6 ડબ્બા પાટા ઉપરથી ખડી પડયા હતા. આ રેલ દુર્ઘટનામાં 7 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 20 મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાંથી 9 યાત્રિકોની હાલત ગંભીર હોવાનું કહેવાઇ રહ્યું છે. ન્યુ ફરક્કા એક્સપ્રેસ દુર્ઘટના રાયબરેલીના હરચંદપુર સ્ટેશન પાસે બની હતી. દુર્ઘટના બાદ તાકીદે સ્થાનિક લોકો અને પોલીસની ટીમે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ ઉપરાંત તપાસ માટે એટીએસની ટીમ પણ પહોંચી હતી. ઘટના બાદ રેલવે મંત્રી પીયૂષ ગોયલે દુ:ખ વ્યક્ત કરીને મૃતકોના પરિવાર માટે 5 લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી. 
રેલ અકસ્માત અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે બુધવારે માલદાથી રાયબરેલી થઈને દિલ્હી જઈ રહેલી ન્યુ ફરક્કા એક્સપ્રેસની 6 બોગી હરચંદપુરથી પ0 મીટરની દૂરીએ પાટા ઉપરથી ઉતરી ગઈ હતી. જેના પરિણામે અફરાતફરીનો માહોલ બન્યો હતો અને લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન આસપાસના લોકો તાકીદે મદદ કરવા માટે દોડી ગયા હતા. દુર્ઘટના અંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધું હતું અને જિલ્લાધિકારી, સ્વાસ્થ્ય અધિકારી અને એનડીઆરએફને દરેક સંભવ મદદ પહોંચાડવાનો નિર્દેશ કર્યો હતો. જ્યારે રેલવે મંત્રી પીયૂષ ગોયલે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની ઘોષણા કરી હતી. આ ઉપરાંત ઘાયલોને 1 લાખ અને સમાન્ય ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer