રફાલ સોદા વિશે નિર્ણયપ્રક્રિયાની વિગતો પૂરી પાડવા સુપ્રીમનો આદેશ

રફાલ સોદા વિશે નિર્ણયપ્રક્રિયાની વિગતો પૂરી પાડવા સુપ્રીમનો આદેશ
કેન્દ્ર સરકારને નોટિસ જારી કરવા ટોચની અદાલતે નકાર્યું
આ વિગતોમાં ભાવના મુદ્દાને આવરી નહીં લેવાય એવી ચોખવટ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 10 : ભારત અને ફ્રાંસ વચ્ચેના રફાલ સોદાના નિર્ણયની પ્રક્રિયાની વિગતો પૂરી પાડવા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બુધવારે જણાવતાં મહદ અંશે સરકારને ફટકો પડયો હોવાનું કહી શકાય અને આ ફાઇટર પ્લેનના ભાવો સાથે સંકળાયેલી પ્રક્રિયામાં ગેરરીતિ સંબંધમાં સરકાર સામે આરોપ મૂકતી કૉંગ્રેસનો એક રીતે જોઇએ તો નૈતિક જુસ્સો
વધ્યો છે.
જોકે, સરકારને અંશત: રાહત આપતાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, રફાલ વિમાનના ભાવો સંબંધિત મુદ્દાઓને આ કાર્યવાહીમાં આવરી લેવાશે નહીં અને આ માટે કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવવાનો પણ ઇનકાર કર્યો હતો.
પરંતુ કોર્ટે કૉંગ્રેસનો એવા મહત્ત્વના સમયે જુસ્સો વધાર્યો છે જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ ઢૂંકડી આવી રહી છે અને કૉંગ્રેસ માનીતા ઉદ્યોગપતિઓના ફાયદા માટે રફાલ સોદાના મુદ્દે મોદી સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા અને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ ગાંધી 13 અૉક્ટોબરના એચએએલની મુલાકાત લેવાના છે અને ત્યાં તેઓ કર્મચારીઓને સંબોધશે અને એવો સંદેશ પાઠવવાની કોશિશ કરશે કે, રફાલ સોદાનો કૉન્ટ્રેક્ટ અનિલ અંબાણીની કંપનીને ફાળવવાથી એચએએલને કેવી રીતે નુકસાન થયું છે.
બુધવારે રાજસ્થાનમાં યુવા કૉંગ્રેસના કાર્યકરોને સંબોધતાં કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ સોદાના ભ્રષ્ટાચારના મુદ્દાને ગ્રામ્ય સ્તર સુધી લઈ જવાની અને ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી લેવાની અપીલ કાર્યકરોને કરી હતી.
બુધવારે કૉંગ્રેસે રફાલડીલ સામે વાંધો ઉઠાવનારા અમલદારોને `સજા' કરીને અને આજ્ઞાંકિત અધિકારીઓને ફાયદો કરાવીને રફાલ ફાઇટર જેટ સમજૂતીની પ્રક્રિયા સાથે `ચેડાં' કરવાનો મોદી સરકાર પર આરોપ મૂકયો હતો. કૉંગ્રેસે રફાલ સોદામાં સંયુક્ત સંસદીય સમિતિની તપાસ કરાવવાની પોતાની માગણીને દોહરાવી હતી.
કૉંગ્રેસના પ્રવક્તા એસ. જયપાલ રેડ્ડીએ જણાવ્યું હતું કે, આવા મોટા સંરક્ષણ સોદાઓની સૌપ્રથમ વિભાગો દ્વારા તપાસ થતી હોય છે, સુરક્ષા પરની કૅબિનેટ સમિતિ દ્વારા મંજૂરી અપાતી હોય છે અને ત્યાર બાદ આવો સોદો પાર પડતો હોય છે. તેમણે એવો આરોપ કર્યો હતો કે સમગ્ર પ્રક્રિયા સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં.
અગાઉ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, આ બાબત દેશની સુરક્ષાને લગતી અને રાજકીય રીતે સંકળાયેલી છે. `જો કોર્ટ નોટિસ બહાર પાડે તો એનો અર્થ એ થયો કે તે વડા પ્રધાન પાસે જાય. આ કોઈ જાહેરહિતની અરજી નથી પણ આ એક રાજકીય અરજી છે. રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટેની આ અરજીને ધ્યાનમાં લેવી ન જોઇએ.' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોર્ટે આ બાબતમાં દખલ કરવી ન જોઇએ, કારણ કે આ અદાલતી સમીક્ષાનો મુદ્દો નથી. રૂપિયા 59,000 કરોડના રફાલ સોદા પર સ્ટે મૂકવાની અરજીઓ પર કોર્ટ સુનાવણી કરી રહી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer