પૃથ્વીની તુલના કોઈ સાથે ન કરો : કોહલી

પૃથ્વીની તુલના કોઈ સાથે ન કરો : કોહલી
ટીમમાં યુવા ખેલાડીઓ હવે વધુ મોકળાશ અનુભવે છે
 
હૈદરાબાદ તા.11:  ભારતીય સુકાની વિરાટ કોહલીએ યુવા ખેલાડી પૃથ્વી શોની તુલના અન્યથી નહીં કરવા અને એક ક્રિકેટર તરીકે તેને પરિપકવ બનવા માટે પર્યાપ્ત સમય આપવા અપીલ કરી છે. શોએ પહેલા ટેસ્ટમાં 134 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની તુલના મહાન સચિન અને સેહવાગ સાથે થઇ રહી છે. 
બીજા ટેસ્ટની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કોહલીએ જણાવ્યું હતું કે તેને (પૃથ્વી) લઇને કોઈ નિર્ણય બાંધી લેવો જોઇએ નહીં. તેને ક્ષમતા અનુસાર પર્યાપ્ત સમય આપવો જરૂરી છે. તે ઘણો પ્રતિભાશાળી છે અને બધાને ખબર છે કે તેનામાં કૌશલ કેવું છે. અમે ઇચ્છીએ છીએ કે તે પહેલા ટેસ્ટ જેવું પ્રદર્શન અહીં પણ કરે. લોકો તેની તુલના કોઇ સાથે ન કરે. અમે તેને કોઇ એવી સ્થિતિમાં નથી રાખવા માંગતા કે જેથી તે દબાણ મહેસૂસ કરે. 
સુકાની કોહલીએ એમ પણ જણાવ્યું કે ટીમના યુવા ખેલાડીઓ પહેલાથી વધુ આત્મવિશ્વાસથી ભરેલા છે. હવે 10-1પ વર્ષ પહેલાની સ્થિતિ નથી. યુવા ખેલાડીઓને હવે વધુ મોકળાશ મળે છે. જો કે દેશ માટે રમતી વખતે દરેક ખેલાડી થોડું દબાણ તો મહેસૂસ કરે જ છે.
ડયૂક બોલથી ટેસ્ટ ક્રિકેટ રમાડો : કોહલી
કેપ્ટન કોહલીએ એસજી બોલ પર નારાજગી વ્યકત કરી છે. તેનું માનવું છે કે દુનિયાભરમાં ટેસ્ટ ક્રિકેટ ઇંગ્લેન્ડમાં બની રહેલ ડયૂક બોલથી રમાડવું જોઇએ. કારણ કે તેની સીમ કડક અને સીધી છે. આથી આ દડામાં નિરંતરતા બની રહે છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે દડાના ઉપયોગ સંદર્ભે આઇસીસીના કોઇ દીશા નિર્દેશ નથી. ભારતમાં સ્વદેશી એસજી દડાનો ઉપયોગ થાય છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝમાં ડયૂક બોલથી ક્રિકેટ રમાય છે. જયારે ઓસ્ટ્રેલિયા,પાકિસ્તાન અને શ્રીલંકા કુકાબૂરા બોલનો ઉપયોગ કરે છે. કોહલી કહે છે કે એસજી બોલ હવે પાંચ ઓવર પછી ઘસાઇ જાય છે. તેની ગુણવતામાં કેમ ફેરફાર થયો તેની મને ખબર નથી. ડયૂક બોલ અત્યારે સૌથી સારો છે. કુકાબૂરા બોલની ગુણવત્તા પણ સારી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer