તનુશ્રીએ FIRમાં ઘટનાની ઝીણી ઝીણી વિગતો લખાવી

નાના પાટેકરે મને અયોગ્ય જગ્યાએ સ્પર્શ પણ કરેલો
 
મુંબઈ, તા.11 : દસ વર્ષ અગાઉ ફિલ્મ `હૉર્ન અૉકે પ્લીસ'ના સેટ પર પીઢ અભિનેતા નાના પાટેકરે બધાં જ ક્રૂ મેમ્બર્સની હાજરીમાં વિનયભંગ કર્યો હોવાની ફરિયાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નોંધાવ્યા બાદ આજે ઓશિવરા પોલીસ સ્ટેશને દત્તાએ પાટેકર વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ  (એફઆઇઆર) નોંધાવ્યો હતો.
પોલીસ સમક્ષ દાયકા અગાઉની આ ઘટનાનું વર્ણન કરતાં દત્તાએ આક્ષેપ કર્યો હતો કે ફિલ્મના સેટ પર આઇટેમ સોન્ગ માટે ડાન્સ સ્ટેપ શીખવવાના બહાને પાટેકરે ત્યાં હાજર બધાંની નજર સામે જ મારી સાથે ગેરવર્તન કર્યું હતું. મને હાથ પકડીને ખેંચી હતી અને અયોગ્ય જગ્યાએ અણગમતી રીતે સ્પર્શ કરીને પોતાની બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ફરિયાદ મેં ફિલ્મના નિર્માતા સામી સિદ્દીકી, દિગ્દર્શક રાકેશ સારંગ અને ડાન્સ ડિરેક્ટર ગણેશ આચાર્ય સમક્ષ કરી તો પહેલા તો મને હવે પછી આવું નહીં બને એમ કહ્યું હતું, પરંતુ બાદમાં પરાણે મારી પાસે પાટેકર સાથે આ ગીતમાં સેક્સી દ્દશ્યો ભજવવાની ફરજ પાડી હતી.
દત્તાએ પોલીસ ફરિયાદમાં આ ચારેયનાં નામ આપ્યાં છે, સાથે આ ઘટના વખતે અભિનેત્રી ડેઝી શાહ પણ સેટ પર હાજર હોવાનું નિવેદનમાં લખાવ્યું હતું. ગોરેગામ પોલીસની હદમાં બનેલી આ ઘટનાની તપાસ હવે ઓશિવરા પોલીસ કરશે અને પોલીસ આ કેસમાં સાક્ષી તરીકે નિવેદન માટે ડેઝી શાહને બોલાવે એવી પણ શક્યતા છે.
વધુમાં દત્તાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે આ સોન્ગનું શૂટિંગ 23 માર્ચ, 2008ના શરૂ થયું હતું અને પાટેકરનાં દ્દશ્યો ફિલ્માવાઇ ચૂક્યાં હતાં છતાં તેઓ ગીતના સમગ્ર શૂટિંગ દરમિયાન સેટ પર હાજર રહ્યા હતા. મારી સાથે વિનયભંગની ઘટના 26 માર્ચે બની હતી, એમ દત્તાએ ફરિયાદમાં જણાવ્યું હતું. 
26 માર્ચે ગીતના શૂટિંગના સેટ પર જુનિયર આર્ટિસ્ટ, ડાન્સરો, સપોર્ટિંગ સ્ટાફ તેમ જ પાટેકર સહિત ફિલ્મના મુખ્ય કલાકાર-કસબીઓ સહિત લગભગ સો વ્યક્તિ હાજર હતી. પાટેકરે મને બધાંની હાજરીમાં જ હાથ પકડીને ખેંચી હતી અને શરીરની અયોગ્ય જગ્યાએ અણછાજતી રીતે સ્પર્શ કર્યો હતો તેમ જ પોતે ડાન્સ ડિરેક્ટર નથી છતાં ડાન્સ સ્ટેપ શીખવવાના બહાને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સેટ પર હું તરફડતી હતી અને બધાં મૂકપ્રેક્ષકો બનીને પાટેકરની હરકતો જોતા રહ્યા હતા. આ પહેલાં પાટેકરે ડાન્સ ડિરેક્ટર સહિતના ફિલ્મની મુખ્ય વ્યક્તિને ડાન્સ સ્ટેપ હું શીખવીશ એમ કહીને સેટ પરથી થોડે દૂર મોકલી દીધા હતા. આ વાત મેં ફિલ્મના જવાબદાર લોકોને કહેતા મને કહેવાયું હતું કે હવે પછી આવું નહીં બને.
ફરીથી મને કોરિયોગ્રાફર (આચાર્ય)એ ફોન કરીને સેટ પર આવવાનું જણાવતાં કહ્યું હતું કે હજુ કેટલાંક દ્દશ્યો બાકી છે, જેની અગાઉ ચર્ચા જ નહોતી થઇ. સેટ પર હું પહોંચી તો ત્યાં પરાણે પાટેકર સાથે ફિલ્મની જરૂરિયાતનાં બહાને સેક્સી દ્દશ્યો ફિલ્માવાયાં હતાં. 
આ આઘાતથી ગભરાઇને હું મારી વૅનમાં ગઇ હતી અને સ્વસ્થ થવાનો પ્રયાસ કરવા મારા ઘરે ફોન કરીને માતા-પિતાને બોલાવ્યાં હતાં. તેઓ આવ્યાં બાદ અમે વૅનમાં ઘરે જવા નીકળ્યાં હતાં ત્યાં અચાનક એક રાજકીય પાર્ટી (એ સમયની ફરિયાદ પ્રમાણે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરોનું ટોળું આવ્યું હતું અને મારી વૅન પર હુમલો કર્યો હતો. મેં પાટેકર સાથે આવાં દ્દશ્યો કરવાની ના પાડી હોવાનું કહીને મારા પર આ હુમલો કરાયો હતો. આ સંબંધી ફરિયાદ તે વખતે ગોરેગામ પોલીસમાં દત્તાના પિતાએ નોંધાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer