પ્રોડયુસર્સ ગિલ્ડે કમિટી બનાવી

મુંબઈ, તા. 11 : સોશિયલ મીડિયામાં ફિલ્મોદ્યોગમાં મહિલાઓના યૌન શોષણ સંબંધી આપવીતી વર્ણવતા સોશિયલ મીડિયાના #metoo કૅમ્પેનની ગંભીરતા સમજીને પ્રોડયુસર્સ ગિલ્ડ અૉફ ઇન્ડિયાએ ફિલ્મોના સેટ પર કે શૂટિંગ દરમિયાન મહિલાઓ સાથે થતા દુરાચારની ફરિયાદો પર ધ્યાન આપવા માટે એક કમિટીની નિમણૂક કરી છે. ફિલ્મકારો કિરણ રાવ અને એકતા કપૂર સહિતના આ કમિટીના સભ્યોની પહેલી બેઠક બુધવારે મળી હતી.
આ સંબંધે ગિલ્ડે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ફિલ્મોદ્યોગનાં કામ ચાલે છે એવાં તમામ સ્થળો પ્રત્યેક વ્યક્તિ માટે સુરક્ષિત બનાવવા માટે ગિલ્ડ કામગીરી કરે છે. હવે એક કદમ આગળ વધીને ગિલ્ડે ફિલ્મોદ્યોગમાં યૌન શોષણના મુદ્દાને ગંભીરતાથી લઇને આવી ઘટનાઓ રોકવા માટે એક ખાસ કમિટી નીમી છે. સ્નેહા રાજાણીના વડપણ હેઠળની આ કમિટીમાં કિરણ રાવ, એકતા કપૂર ઉપરાંત અપૂર્વ મેહતા, ફાજિલા અલાના, જ્યોતિ દેશપાંડે, કુલમિત મક્કર, મધુ ભોજવાણી, પ્રીતિ શહાની, રોહન સિપ્પી, સિદ્ધાર્થ રોય કપૂર અને વિજય સિંઘ સહિતના સભ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer