પાઇપલાઇનના કામને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીપુરવઠા પર અસર

મુંબઈ, તા. 11 : છેલ્લા કેટલાક દિવસથી કેટલાંક વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો મળતો હોવાથી મુંબઈગરાઓ સવાલ કરી રહ્યા છે કે ચોમાસાની વિદાય સાથે જ પાલિકાએ જાહેરાત વગર પાણી કાપ લાદી દીધો છે કે? દક્ષિણ મુંબઈની જૂની બિલ્ડિંગોમાં પાણીના સંગ્રહ માટે ટાંકીઓ નથી ત્યાં રોજ નિયત સમયે પાણી મળે છે. એવી બિલ્ડિંગોના રહેવાસીઓને આના કારણે ખૂબ અગવડ પડી રહી છે. 
જોકે, પાલિકાએ 25 અને 26 સપ્ટેમ્બરથી પવઇ અને વેરાવલી સેક્શન વચ્ચે આવેલી ટનલ સાથે પાણીની પાઇપલાઇન જોડવાની કામગીરી હાથ ધરી હોવાથી પાણીના પુરવઠા પર અસર થઇ છે, હવે આ કામ પૂર્ણ કરી લેવાયું છે. આના કારણે ગોરેગાંવ, અંધેરી, ખાર તેમ જ દક્ષિણ મુંબઈના કેટલાંક વિસ્તારોમાં પાણી પુરવઠા પર અસર થઇ હતી. પાલિકાના એક અધિકારીએ કહ્યું હતું કે હાલમાં અૉક્ટોબરની અકળાવનારી ગરમીમાં પાણીની વધુ જરૂર રહે છે ત્યારે આ કામ હાથ ધરાવાના કારણે લોકોને અગવડ પડી છે તે બદલ અમે દિલગીર છીએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer