સુભાષ ઘાઈ પર પણ મુકાયો રેપનો આરોપ

મુંબઈ, તા. 11 : કૈલાસ ખેર, વિકાસ બહલ જેવા બોલિવૂડના ચહેરાઓ મીટૂ અભિયાનમાં ફસાયા બાદ હવે આ યાદીમાં જાણિતા ફિલ્મ નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈનું નામ પણ સામેલ થયું છે. સુભાષ ઘાઈ ઉપર તેમની પૂર્વ કર્મચારીએ બળાત્કારનો આરોપ મુક્યો છે. જો કે મહિલાએ પોતાના નામનો ખુલાસો કર્યો નથી. પીડિતાના કહેવા પ્રમાણે સુભાષ ઘાઈ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે સુભાષ ઘાઈને માર્ગદર્શકની ભૂમિકા ભજવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગળ લઈ જવાની વાત કરી હતી. પીડિતાના કહેવા પ્રમાણે પોતે એ સમયે મુંબઈમાં નવી આવી હતી. આ દરમિયાન ઘણી વખત સુભાષ  ઘાઈ ફિલ્મને લગતા કામ બાદ મોડી રાત થતા ઘરે છોડવા આવતા હતા. થોડા સમય બાદ એક વખત તેમના ઘરે ફિલ્મના કામ માટે બોલાવી હતી અને ત્યારબાદ શોષણનો પ્રયાસ કર્યો હતો.
મને તેણે દારૂની અૉફર કરી હતી અને એમાં ઘેનની દવા નાખી હતી. મને પછી તેઓ હૉટલમાં લઈ ગયા હતા અને ત્યાં મારાપર રેપ કર્યો હતો.
આમિર ફિલ્મમાંથી ખસી ગયો
ફિલ્મોદ્યોગમાં યૌન શોષણ અંગેના સોશિયલ મીડિયાના #metoo કૅમ્પેનના પગલે મેગાસ્ટાર આમિર ખાન દિવંગત કેસેટ કિંગ ગુલશન કુમારના જીવન કવન પર આધારિત પ્રસ્તાવિત ફિલ્મ `મોગલ'ના નિર્માણની ભાગીદારીમાંથી ખસી ગયા બાદ પ્રોડયુસર ભૂષણ કુમારે આ ફિલ્મના ડિરેક્ટર સુભાષ કપૂરને પ્રોજેક્ટમાંથી પડતા મૂક્યા છે. 
ગઇકાલે ફિલ્મકાર પત્ની કિરણ રાવ સાથેના સંયુક્ત અખબારી નિવેદનમાં આમિરે કોઇનું નામ લીધા વગર જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના ડિરેક્ટર સામે મહિલા સાથે દુર્વ્યવહારના કેસની વાતો જાણવા મળી હતી તેથી હું ભાગીદારી કરવા નથી ઇચ્છતો. અમે ફિલ્મોદ્યોગને કોઇ પણ પ્રકારના દુર્વ્યવહાર કે દૂષણોથી મુક્ત તેમ જ તમામ કલાકાર કસબીઓ માટે સુરક્ષિત બનાવવા પ્રતિબદ્ધ છીએ તેથી કોઇ વિવાદિત વ્યક્તિ સામેલ હોય એવા પ્રોજેક્ટમાં ભાગીદારી નથી ઇચ્છતા.
આ ફિલ્મના ડિરેક્ટર સુભાષ કપૂર વિરુદ્ધ વિનયભંગનો કેસ ચાલી રહ્યો છે. કપૂરે પત્રકારોને જણાવ્યું હતું કે ફિલ્મના પ્રોજેક્ટમાંથી ખસી જવાના આમિર ખાનના નિર્ણયનો હું આદર કરું છું અને સમજી શકું છું કે તેમણે આવો નિર્ણય શા માટે લીધો છે. મારી સામેનો કેસ કોર્ટમાં ચાલે છે, જ્યાં હું મારી નિર્દોષતા પુરવાર કરીશ. 
આજે નિર્માતા ભૂષણ કુમારે જણાવ્યું હતું કે કપૂર સામેના કેસની વિગતો અમારા ધ્યાનમાં આવ્યા બાદ ભાગીદાર નિર્માતા આમિર ખાન સહિત ટી-સિરીઝની સમગ્ર ટીમે તેમની સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો છે અને કપૂરને આ પ્રોજેક્ટમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.
`વન બાય ટુ', `આત્મા', `વૉટ ધ ફિશ' જેવી ફિલ્મો કરનારી અભિનેત્રી ગીતિકા ત્યાગીએ એપ્રિલ 2014માં કપૂર વિરુદ્ધ વિનયભંગ અને બળાત્કારના પ્રયાસનો કેસ કર્યો હતો. આ કેસમાં કપૂરની ધરપકડ બાદ દસ હજાર રૂપિયાના જામીન પર તેને મુક્ત કરાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer