રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમવાર ``ભ્રષ્ટ'''' કહ્યા

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમવાર ``ભ્રષ્ટ'''' કહ્યા
રફાલ સોદામાં તેઓ અનિલ અંબાણીના `ચોકીદાર' છે : કૉંગ્રેસપ્રમુખ
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 11 : રૂપિયા 59,000 કરોડનો રફાલ સોદો મેળવવા સંયુક્ત સાહસ માટે અનિલ અંબાણીની કંપનીની પસંદગી કરવા ફ્રાંસની કંપની દસોલ્તને ફરજ પાડવામાં આવી હતી એવા ફ્રેન્ચ મીડિયાના અહેવાલ બાદ કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આ બાબતમાં તપાસની માગણી કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને `ભ્રષ્ટ' અને `અનિલ અંબાણીના વડા પ્રધાન' તરીકે જાહેર કર્યા હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિ અનિલ અંબાણીના `ચોકીદાર' તરીકે વર્તી રહ્યા છે અને દેવાંમાં ડૂબેલા રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણીના ઉદ્યોગને બચાવવા રફાલ સોદા પર પ્રભાવ પાડયો છે.
રાહુલ ગાંધીએ સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણની ત્રણ દિવસની ફ્રાંસની મુલાકાતના સમય સામે પણ સવાલ કર્યો હતો. મને ખબર પડતી નથી કે એવી તે કેવી ઇમર્જન્સી આવી ગઈ છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, ઢાંકપિછોડો કરવા તેઓ ફ્રાંસ જઈ રહ્યાં છે, એમ રાહુલ ગાંધીએ અત્રે ઉતાવળે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ પરસ્પરનાં હિતો સાથે સંકળાયેલા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા તેમ જ વ્યૂહાત્મક સરકાર વિશે મંત્રણા કરવા ફ્રાંસની મુલાકાતે જઈ રહ્યાં છે.
36 રફાલ વિમાનોનો ભારત સાથેનો સોદો પાર પાડવા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને અૉફસેટની જવાબદારી સોંપવા ફરજિયાત શરતો મૂકવામાં આવી છે. એમ દસોલ્ત એવિયેશનના ટોચના અધિકારીએ તેના સ્ટાફને જણાવ્યું હતું. એવું જણાવતા ફ્રેન્ચ મીડિયાના અહેવાલને ટાંકીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, `અગાઉ, ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, ભારતના વડા પ્રધાને તેમને કહ્યું હતું કે, રિલાયન્સને આ સોદો મળવો જોઇએ.' હવે રફાલના વરિષ્ઠ અધિકારી પણ આવું જ કહી રહ્યા છે. આ ભ્રષ્ટાચારનો સ્પષ્ટ કેસ છે, એમ રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું.
અૉફસેટ પાર્ટનરની પસંદગી કરવામાં ફ્રાંસ સરકારની કોઈ ભૂમિકા હોતી નથી એવા દસોલ્ત એવિયેશનના નિવેદન અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દસોલ્ત એક મોટા કૉન્ટ્રેક્ટ પર બેઠું છે. દસોલ્ત તો એ જ કહેશે જે ભારતની સરકાર કહેવા માગતી હશે. તેના આંતરિક દસ્તાવેજમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, વડા પ્રધાને એમ કહ્યું હતું કે, `આ કોમ્પેન્સેશન (વળતર) વિના આ સોદો નહીં થાય.' વડા પ્રધાન અલગ દુનિયામાં રાચી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer