વિક્રમ સંવત 2075માં રાજકીય પ્રવાહો શૅરબજારને દોરશે

વિક્રમ સંવત 2075માં રાજકીય પ્રવાહો શૅરબજારને દોરશે
છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી ઉપરથી લોકસભામાં ભાજપની દશા અને દિશાનો વરતારો મળશે
 
મુંબઈ, તા. 7 : આજથી આરંભ થયેલા નવા સંવતને અનેક પરિબળો વિશિષ્ટ બનાવશે, પરંતુ શૅરબજાર માટે તેમાંનું મુખ્ય પરિબળ રાજકીય પ્રવાહોનું રહેશે. બજારના ખેલાડીઓ રાજકારણની ગતિવિધિઓ ઉપર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે અને સંવત 2075માં રાજકીય પરિસ્થિતિ નાણાં બજારોની ચાલ નક્કી કરશે. 
સંવત 2074નો આરંભ નોટબંધી અને જીએસટીની અસરમાંથી બહાર આવવા મથી રહેલા અર્થતંત્ર સાથે થયો હતો. વર્ષનો મોટા ભાગનો ગાળો દેશની અર્થવ્યવસ્થા સ્થિર હતી, પરંતુ તે પછી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરના ભયથી રોકાણકારો ગભરાયા હતા. ઘરઆંગણે સંસ્થાકીય રોકાણકારોએ શૅરબજારમાં રોકાણો ચાલુ રાખ્યાં હતાં, પરંતુ વિદેશી રોકાણકારોએ ભારતીય કંપનીઓના શૅર્સમાં વધુપડતા મૂલ્યાંકન અને રૂપિયાના અવમૂલ્યનને કારણે સાવચેતીભરી ચાલ અપનાવી હતી. વર્ષને અંતે અર્થવ્યવસ્થાને લગતા અનેક નબળાં પાસાં સામે આવ્યાં - ક્રૂડતેલના ઊંચા ભાવ, રૂપિયાનો ઘસારો, ચાલુ ખાતાની ખાધમાં વૃદ્ધિ, વગેરે. પરિણામે બજારો ઘટાડા તરફ ધકેલાયાં.
સંવત 2075માં બજારની ચાલ કેવી રહેશે?
આ સંવતમાં દેશના રાજકીય પ્રવાહો શૅરબજારની ચાલ નક્કી કરશે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ સત્તાસ્થાને છે, તેવાં રાજ્યો - છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓ આ સંવતના મધ્યાહ્ને યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ મેદાન મારી જશે કે નહીં, તેનું વધુ સ્પષ્ટ ચિત્ર રજૂ કરશે.
વૈશ્વિક પરિબળોમાં ક્રૂડતેલના ભાવ અને રૂપિયાના ઘસારાએ બજારને ખૂબ ગભરાવી મૂક્યું હતું, પરંતુ તેમાંથી હમણાં થોડી રાહત જોવા મળી છે. જોકે, આ રાહત કેટલી ટકશે તે હજુ સવાલ છે. અમેરિકા હજુ વધુ ઝડપે વ્યાજદર વધારે તેમ જણાય છે, જેના પગલે ડૉલર વધુ મજબૂત બનશે તેવું અનુમાન છે. 
ક્રૂડતેલના ભાવ વિશે કોઈ ચોક્કસ આગાહી શક્ય નથી, છતાં હકીકત એ છે કે ઈરાન ઉપર અમેરિકાનાં નિયંત્રણોનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાય એમ જણાતું નથી. જો અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધનો અંત આવે તો વિકસતા દેશોનાં શૅરબજાર રાહતનો શ્વાસ લઈ શકે તેમ છે. તેની અસર ભારત ઉપર પ્રમાણમાં ઓછી જોવા મળતી હોવા છતાં આ મુદ્દે કોઈપણ સકારાત્મક ઘટનાક્રમ ભારતીય શૅરબજારનાં સેન્ટીમેન્ટ તેજીતરફી કરશે.
રાજકીય અનિશ્ચિતતાને પગલે અર્થતંત્રમાં રોકાણના નિર્ણયો પાછા ઠેલાય તેવી સંભાવના છે. જીએસટીમાંથી એકત્ર થયેલી આવક હજુ સંતોષકારક નથી અને તેનાથી દેશની નાણાકીય સ્થિતિ સુધરે તેવા કોઈ સંકેત નજીકના ભવિષ્યમાં જણાતા નથી. અલબત્ત, કેટલાક અર્થશાસ્ત્રીઓ તો માને છે કે અૉક્ટોબરમાં જીએસટીનું કલેક્શન એક ટ્રિલિયન રૂપિયાનો આંક વટાવી ચૂક્યું હોવા છતાં નાણાકીય ખાધ દૂર કરી શકાય તેમ નથી. ઉપરાંત, ચાલુ ખાતાની ખાધ અને ઊંચા વ્યાજદરની તલવાર તો હજુયે લટકતી જ છે.
વળી, રોકાણકારોએ નૉન-બૅન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓમાં ચાલી રહેલી ગરબડને પણ અવગણવી ન જોઈએ. ટૂંકમાં, મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાઓથી ભરપૂર સંવત 2075માં શૅરબજારમાં મોટા ભાગનો ગાળો ઊંચી વધઘટનો હશે.
Published on: Thu, 08 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer