રૂપાણીએ બનાસકાંઠાના નડાબેટમાં જવાનોની સાથે દીપાવલી પર્વ ઊજવ્યું

રૂપાણીએ બનાસકાંઠાના નડાબેટમાં જવાનોની સાથે દીપાવલી પર્વ ઊજવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.7 :  મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દિવાળી પર્વ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ નજીક  ભારત-પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો સાથે ઊજવ્યું હતું અને જવાનોને દીપાવલીની શુભેચ્છા પાઠવી હતી. 
રૂપાણી આજે સવારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નડાબેટ પહોંચ્યા હતા. પ્રારંભમાં બીએસએફના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય પ્રધાને ભક્તિભાવપૂર્વક નડેશ્વરી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્ય પ્રધાન અને અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પ્રસંગે બીએસએફના જવાનોને મળી શુભેચ્છા આપવાની પ્રણાલિકા શરૂ કરી છે તે તેમણે પણ નિભાવી છે. બીએસએફ જવાનોના અજોડ સાહસ, શૌર્ય અને વીરતાના લીધે સીમાઓ સુરક્ષિત છે અને દેશવાસીઓ શાંતિથી સૂઇ શકે છે. 
બોર્ડર પર સુરક્ષા જવાનો સાથે મુલાકાત લેવાની તેમની મુશ્કેલીઓ જાણી તેને હલ કરી શકાય તેમ જણાવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, જવાનો માટે બોર્ડર પર પીવાનું સ્વચ્છ પાણી, મોબાઇલ નેટવર્ક માટે ટાવર વગેરે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. રણના આ પ્રદેશમાં માટી અને ધૂળ ઊડતી હોય છે, તેવા સંજોગોમાં જવાનોની આંખોની રક્ષા માટે ખાસ પ્રકારના ગોગલ્સ ચશ્માં પૂરા પાડવા પણ જણાવ્યું હતું. સરહદના આ સંત્રીઓ માટે પાણી પહોંચાડવા પાઇપલાઇન, કૂલર તેમ જ પાકા રસ્તાની સુવિધાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે તેની ભૂમિકા આપતા તેમણે જણાવ્યુ ંહતું કે, દેશની આ ગુજરાત સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી સંવેદનશીલ સરહદ છે ત્યારે દિવસ-રાત પહેરો ભરીને દેશની નિગેહબાની કરતા બીએસએફના જવાનોની સુવિધા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ કરશે.
મુખ્ય પ્રધાને કહ્યું કે, સીમા દર્શન કાર્યક્રમથી દેશવાસીઓ બોર્ડર વિસ્તારની મુલાકાત લઇ બીએસેફના જવાનો કઠિન પરિસ્થિતિમાં પણ દેશ માટે કેવી રીતે ઉત્તમ ફરજ બજાવે છે તે નજરે નિહાળી શકે છે. સીમા દર્શન કાર્યક્રમથી લોકોમાં રાષ્ટ્રપ્રેમના ગુણો પણ સારી રીતે કેળવાય છે. નાડાબેટ ખાતે સીમાદર્શન કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઇ રહેલી કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું અને સમય મર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા મુખ્ય પ્રધાને સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ સીમા દર્શન કાર્યક્રમને વ્યાપક સફળતા મળી છે અને અંદાજે 10 લાખથી વધુ લોકોએ આ સરહદના પ્રવાસનો રોમાંચ માણ્યો છે. વિજયભાઇએ બોર્ડર ટૂરિઝમના આ નવતર પ્રયોગમાં ભવિષ્યમાં ડેઝર્ટ રમતો વિકસાવવાની દિશામાં પણ સંભાવના ચકાસવા જણાવ્યું હતું. 
ગુજરાતના પ્રજાજનોને તેમ જ બીએસએફ જવાનો અને તેમના પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, દિવાળી જેવા પર્વે પણ બીએસેફના જવાનો તેમના પરિવારથી દૂર ફરજ પર હોય છે ત્યારે તેમને મળીને પારિવારીક માહોલ અને આનંદની લાગણી થાય છે. સૌને સુખ, સમૃદ્ધિ અને સુખમય જીવન અને સફળતા મળે, ગુજરાત હંમેશાં વાયબ્રન્ટ રહે, ઉત્તરોત્તર સિદ્ધિઓના શિખર સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
Published on: Thu, 08 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer