અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા વિચારી શકાય : નીતિન પટેલ

અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા વિચારી શકાય : નીતિન પટેલ
મતની રાજનીતિ માટે ભાજપ હિન્દુઓ સાથેની છેતરપિંડી બંધ કરે: ડૉ. મનીષ દોશી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.7: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથે મંગળવારે સાંજે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સમયે ગુજરાતના નાયાબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે વાતચીત કરતા પત્રકારોએ પ્રશ્ન પૂછયો હતો કે, કર્ણાવતી નામનું શું છે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનું વિચારી શકાય.
નાયબ મુખ્ય પ્રધાને એમ પણ કહ્યુ હતું કે, લોકોની લાગણી છે કે અમદાવાદનું નામ કર્ણાવતી હોવું જોઇએ પરંતુ કાયદીય અને વહીવટી ગૂંચોને કારણે આ શક્ય બની શક્યું નથી. બીજી વાત એ છે કે કોઇપણ શહેરનું નામ બદલવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા અપાતી હોય છે અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ લેવી પડતી હોય છે.  અગાઉ પણ નામ બદલવા માટેના પ્રયાસો કરાયા હતા. સરકારની પણ મર્યાદાઓ હોય છે. 
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કેન્દ્રમાં વાજપેયી સરકાર બની ત્યારે ગુજરાત સરકારે નામ બદલવાની દરખાસ્ત મોકલી હતી. પરંતુ એ સમયના ગૃહપ્રધાન એલ.કે.અડવાણીએ આ દરખાસ્ત પરત મોકલી હતી. ત્યારબાદ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, આમ છતાં લોકોની લાગણીને ધ્યાનમાં લઇને અમદાવાદનું નામ કર્ણાવતી નથી કરાયું. મહત્ત્વનું છે કે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની હાલ કોઇ દરખાસ્ત ગુજરાત સરકારે કરી નથી. આમ છતાં પણ ભાજપના નેતાઓ હજુ પણ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા અંગેનું વારંવાર ગાણું ગાય છે અને નાગરિકોને નામ બદલવા અંગે કોણીએ ગોળ ચોટાડી રહ્યા છે.
દરમિયાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતુ ંકે, ભાજપ માટે કોર્પોરેશન હોય કે રાજ્યની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય. કર્ણાવતી, કલમ 370 કે રામમંદિરનો મુદ્દો ઉછાળવામાં આવે છે. આજે કોર્પોરેશન, રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં માત્ર આવી ચૂંટણીલક્ષી વાત ઉછાળીને કરોડો હિન્દુઓની શ્રદ્ધા પર કઠુરાઘાત કરવામાં આવી રહ્યો છે. સાડાચાર વર્ષ નાથુરામ કરવાનું અને ચૂંટણી આવે એટલે કર્ણાવતી, કલમ 370 અને રામમંદિરની વાત કરવાની. ભાજપની આ સમજી વિચારેલી ચાલ છે. ભાજપ મતની રાજનીતિ માટે કરોડો હિન્દુઓ સાથેની છેતરપિંડી બંધ કરે એમ પણ આક્રોશપૂર્વક ડૉ. દોશીએ જણાવ્યું હતું.
Published on: Thu, 08 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer