શૅરબજારોમાં શુભ-લાભ : મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્ષ - નિફ્ટીમાં જોરદાર ખરીદી

શૅરબજારોમાં શુભ-લાભ : મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્ષ - નિફ્ટીમાં જોરદાર ખરીદી
અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીનાં પરિણામોથી વૈશ્વિક બજારો ખુશ
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : શૅરબજારમાં આજે સંવત વર્ષ 2075ના મુહૂર્તના સોદા માટે બજારનું સેશન સાંજે 5.30થી 6.30 સુધી ચાલીને પાંખાં કામકાજ વચ્ચે પૂરું થયું હતું. બજારમાં રિટેલ ટ્રેડરોની તદ્દન નગણ્ય ઉપસ્થિતિ વચ્ચે દિવાળીનો ચમકારો આપતા એનએસઈ ખાતે નિફ્ટીએ અગાઉના બંધ 10,530થી 84 પોઇન્ટ ઉછાળે 10,614 ખૂલીને 10,616.45ની ઊંચાઈ દર્શાવી હતી. તદ્દન ટૂંકી વધઘટ પછી નિફ્ટી 10,582ના તળિયે ઊતરીને ટ્રેડિંગ અંતે 10,598.40 બંધ રહ્યો હતો. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષની મધ્યસત્ર ચૂંટણીમાં જબરજસ્ત પીછેહઠને લીધે વૈશ્વિક બજારોમાં સુધારો નોંધાયો છે.
જેથી આજના દિવાળીના મુહૂર્તના પ્રસંગને અનુરૂપ સ્થાનિક બજારમાં બ્રોકરો અને સટોડિયાઓએ નિફ્ટીના લગભગ તમામ શૅરો (કાઉન્ટર)ને સકારાત્મક ખરીદીના વલણને ઊંચામાં બંધ રાખવામાં સફળતા મળી હતી. નિફ્ટીના કુલ 50 શૅરમાંથી 47 શૅરો વત્તા ઓછા સુધરીને બંધ રહ્યા હતા. માત્ર 2 શૅરના ભાવ ઘટાડે હતા. આજે સુધરવામાં અૉટો ક્ષેત્રે એમએન્ડએમ રૂા. 14, હીરો મોટર રૂા. 32, બૅન્કિંગમાં કોટક બૅન્ક રૂા. 9, એચયુએલ રૂા. 12, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂા. 38, મારુતિ સુઝુકી રૂા. 53, એચડીએફસી બૅન્ક રૂા. 11 અને બજાજ ઓટો રૂા. 18, ટીસીએસ રૂા. 9 અને આઇશર મોટર્સમાં રૂા. 90નો નોંધપાત્ર ઉછાળો હતો.
આજે વર્ષ 2075ની શરૂઆતમાં નિફ્ટીએ ટ્રેડિંગ દરમિયાન હર્ષોલ્લાસ વચ્ચે 10,600ની ટોચ વટાવી હતી. વૈશ્વિક બજારોને ઘમરોળતા અમેરિકાના નિર્ણયોને લગામ લાગવાના સંકેતથી ભારતનાં શૅરબજારમાં પણ હવે ટૂંકા ગાળામાં મોટા ઘટાડાની સંભાવના ઓછી હોવાનું સ્થાનિક બ્રોકરો માને છે. જોકે, સ્થાનિકમાં કૉર્પોરેટ પરિણામ અને વિધાનસભાની ચૂંટણીઓની સારી-માઠી અસરથી બજારની આગામી ચાલ નિર્ધારિત થશે એમ જાણીતા એનલિસ્ટોનું અનુમાન છે.
ક્રૂડતેલના ભાવ હવે સ્થિર થાય તો સ્થાનિકમાં ચુનંદા ઓટો, તેલ-ગૅસ અને કન્ઝ્યુમર ડયુરેબલ સાથે ઊર્જા ક્ષેત્રના શૅરોમાં મધ્યમગાળે આકર્ષણ જળવાશે એમ બ્રોકરો માને છે. એનલિસ્ટોના અનુમાન પ્રમાણે નિફ્ટીમાં હવે 10,500 અને 10,333ના સપોર્ટ લેવલ સાથે ઉપરમાં 10,852 સુધીની ઊંચાઈ જોવાઈ શકે છે.
દરમિયાન, અમેરિકામાં ડેમોક્રેટ પક્ષની સ્થિતિ મજબૂત થવાથી અમેરિકામાં અણધાર્યા-અસંગત નિર્ણયોના અંતની શરૂઆતના સંકેતથી એશિયન બજારો સુધર્યાં હતાં. ક્રૂડતેલમાં 2 ટકાના ઘટાડા સાથે (ડબ્લ્યુટીઆઈ) બેરલ દીઠ 61.31 ડૉલર ક્વોટ થયું હતું. જ્યારે ડૉલરમાં નબળાઈ પ્રવેશી હતી. જેથી યુએસ એસએન્ડપી 500 0.3 ટકા અને એમએસસીઆઈ બ્રોડેક્સ એશિયા પેસિફિક 0.3 ટકા સાથે જપાન ખાતે નિફ્ટી 1.2 ટકા સુધારે હતો.
Published on: Thu, 08 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer