સેમિ ફાઇનલ પૂર્વે અૉસ્ટ્રેલિયા સામે કસોટી

સેમિ ફાઇનલ પૂર્વે અૉસ્ટ્રેલિયા સામે કસોટી
મહિલા ટી-20 વિશ્વ કપ
ગ્રુપ બીમાં ભારત અને અૉસિ. વચ્ચે ટોચના સ્થાન માટે આજે ટક્કર: મૅચ રાત્રે 8-30થી શરૂ થશે : ગ્રુપ એમાં ચાર ટીમ વચ્ચે સેમિમાં પહોંચવા રસાકસી
ગુયાના, તા.16: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જીતની હેટ્રિક સાથે આઇસીસી ટી-20 વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. આ ત્રીજો મોકો છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે અંતિમ ચારમાં જગ્યા બનાવી હોય. છેલ્લે ભારતીય ટીમ 2009 અને પછી 2010ના ટી-20 વર્લ્ડમાં સેમિ ફાઇનલ સુધી પહોંચ્યું હતું. હવે આવતીકાલે ભારતીય મહિલા ટીમ તેના અંતિમ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચની વિજેતા ટીમ ગ્રુપ બીની ટોચની ટીમ બનીને સેમિમાં પહોંચશે. ઓસ્ટ્રેલિયા હાલ નંબર વન અને મજબૂત ટીમ છે. આથી સુકાની હરમનપ્રિત કૌરની ટીમને તેની તાકાત ચકસવાનો મોકો મળશે. ઓસ્ટ્રેલિયા અને ભારતના એક સમાન 6-6 પોઇન્ટ છે, પણ સારા નેટ રન રેટના લીધે ઓસિ. ટીમ પહેલા સ્થાને છે. બીજી તરફ ગ્રુપ બીની બાકીની ટીમો ન્યુઝીલેન્ડ (2), પાકિસ્તાન (2) અને આયરલે(0) સેમિ ફાઈનલની બહાર થઇ ગઇ છે.
ગઇકાલના આયરલેન્ડ સામેના મેચમાં ભારતીય મહિલા ટીમનો પ1 રને શાનદાર વિજય થયો હતો. અનુભવી મિતાલી રાજે તેનું ફોર્મ જાળવી રાખીને પ1 અને સ્મૃતિ મંધાનાએ આક્રમક 33 રન કર્યાં હતા. ભારતના 6 વિકેટે 14પ રનના જવાબમાં આઇરીશ મહિલા ટીમ 20 ઓવરના અંતે 8 વિકેટે 93 રને હાંફી ગઇ હતી. ભારતે પહેલા મેચમાં ન્યુઝીલેન્ડ અને બીજા મેચમાં પાકિસ્તાનને હાર આપી હતી. 
જયારે ગ્રુપ એમાં સેમિ માટે ચાર ટીમ વચ્ચે ટકકર ચાલી રહી છે. વર્તમાન વિજેતા ગૃહ ટીમ વેસ્ટ ઇન્ડિઝના બે મેચ બાદ 4, ઇંગ્લેન્ડના બે મેચના અંતે 3, શ્રીલંકાના 3 મેચ પછી 3 અને આફ્રિકાની મહિલા ટીમના બે મેચના અંતે 2 પોઇન્ટ છે. આથી ગ્રુપ એમાં સેમિ ફાઇનલમાં પહોંચવા તીવ્ર રસાકસી ચાલી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer