શાકભાજીના ભાવમાં ઉછાળો

વેપારીઓ કહે છે, આ કામચલાઉ વધારો છે
મુંબઈ, તા. 16 : તહેવારોની સિઝનમાં માગ વધતાં અને પુરવઠો ઘટતાં શાકભાજીના રિટેલ ભાવમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. આમ છતાં નવી મુંબઈની એપીએમસી જથ્થાબંધ બજારના વેપારીઓએ એવો દાવો કર્યો હતો કે આ વધારો કામચલાઉ છે અને આગામી સપ્તાહ કે પખવાડિયામાં ભાવ ફરી નીચી સપાટીએ આવી જશે.
બટાટા પછી લીલાં શાકભાજી ગૃહિણીનું બજેટ ખોરવી રહ્યાં છે. છૂટક બજારમાં વટાણા પ્રતિ કિલો 200 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ફ્લાવરના ભાવ 60 રૂપિયા અને સરગવાની સીંગના ભાવ 80 રૂપિયા બોલાઈ રહ્યા છે.
અગાઉ ડીઝલના ભાવ વધતાં શાકભાજીના ભાવ વધ્યા હતા, પણ હાલ તો માગ વધવાથી ભાવ વધ્યા છે અને સામાન્યરીતે તહેવારોની સિઝનમાં ભાવ વધતા હોય છે, એમ એપીએમસીના વહીવટી અધિકારીએ જણાવ્યું હતું.
વેપારીઓએ જણાવ્યું હતું કે ઠંડીની સિઝન શરૂ થવામાં જ છે અને ટૂંક સમયમાં શાકભાજીનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં શરૂ થતાં ભાવ નીચા આવી જશે, એમ એપીએમસીના ભૂતપૂર્વ ડિરેક્ટર શંકર પીંગળેએ જણાવ્યું હતું.
ગુરુવારે કેટલીક શાકભાજીના ભાવ ઊંચા બોલાયા હતા. રીંગણાંના ભાવ પ્રતિ કિલો 60 રૂપિયા રહ્યા હતા.
દેશમાં બટાટાનો પાક ઓછો થયો હોવાથી તેના ભાવ લાંબા સમયથી 25થી 30 રૂપિયાની આસપાસ રહ્યા છે.
શહેરમાં મુખ્યત્વે નાશિક, પુણે, કર્ણાટક અને ગુજરાતમાંથી શાકભાજીનો પુરવઠો આવે છે. ગુરુવારે એપીએમસીમાં શાકભાજીની લગભગ 490 ટ્રકો આવી હતી જે સામાન્ય પુરવઠા કરતાં 30 ટકા ઓછી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer