વેતન ખર્ચ ઘટાડવા આઈએલઍન્ડએફએસ 65 ટકા કર્મચારીઓને છૂટા કરશે

વેતન ખર્ચ ઘટાડવા આઈએલઍન્ડએફએસ 65 ટકા કર્મચારીઓને છૂટા કરશે
મુંબઈ, તા.5 : નાણાકીય કટોકટીમાં ફસાયેલી આઈએલઍન્ડએફએસ હવે કર્મચારીઓને છૂટા કરશે. ઉદય કોટકના નેજા હેઠળના બોર્ડે કહ્યું કે, કંપનીમાંથી 65 ટકા કર્મચારીઓને ઓછા કરવામાં આવશે, જેથી કુલ વેતન ખર્ચમાં 50 ટકા જેટલો ઘટાડો થશે. 
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) અને શૅરબજારોને મોકલેલા ગ્રુપના પ્રોગ્રેસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આઈએલઍન્ડએફએસ ગ્રુપમાં બે તબક્કામાં માનવબળને ઓછું કરવામાં આવશે. પહેલા તબક્કામાં પગારમાં ફેરફાર કરવામાં આવશે અને નિવૃત્ત કર્મચારીઓ જે કૉન્ટ્રેક્ટ ઉપર કામ કરી રહ્યા છે તેમને છૂટા કરાશે. આ પગલાંથી કંપનીની વાર્ષિક $100 કરોડની બચત થશે. બીજા તબક્કામાં કંપની જવાબદારીઓ નવેસરથી નક્કી કરશે, હોદ્દાઓની સંખ્યા ઘટાડશે અને જવાબદારીઓ ફરીથી સોંપશે. 
સૂત્રોના કહેવા મુજબ, અસ્ક્યામતોના વેચાણને લીધે મોટા પ્રમાણમાં કર્મચારીઓની સંખ્યા વ્યવહારુ બનશે. નીચલા સ્તરે મોટા ભાગના કર્મચારીઓ છૂટા કરવામાં આવશે. નાણાંની અછત હોવાથી કાર્યકારી એકમોમાં કામકાજ પણ મંદ થયું છે. સરકારની દરમિયાનગિરીને લીધે વરિષ્ઠ સંચાલન મંડળના અધિકારીઓ અને અમુક મુખ્ય સબસિડિયરીઓએ આ પહેલાં કંપની સાથે છેડો ફાડયો છે. 
નવા બોર્ડે કેટલા કર્મચારીઓ છૂટા કરવાના છે તેનો ચોક્કસ આંકડા આપ્યા નથી. અંદાજ છે કે મુખ્ય સબસિડિયરીઓમાં કુલ 4500 જેટલા ફૂલ-ટાઈમ કર્મચારીઓ છે. આઈએલઍન્ડએફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક અને ઊર્જા ક્ષેત્રની સબસિડિયરીઓમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ છે. ફૂલ-ટાઈમ કર્મચારીઓ ઉપરાંત કૉન્ટ્રેક્ટ ધોરણે અને કન્સલટન્ટ્સ પણ વધુ છે, એમ પણ સૂત્રોએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer