અલ્પ આવક, ઓછી આવક અને મધ્યમ આવક ધરાવનારાઓ માટે ખુશખબર

મ્હાડાનાં ઘરોની કિંમત હજી 10 ટકા ઘટશે
મુંબઈ, તા. 5 : મુંબઈમાં મ્હાડાનાં 1384 ઘરો માટે 16મી ડિસેમ્બરે લૉટરી (ડ્રૉ) નીકળવાની છે. જોકે એ માટે અરજી કરનારાઓ માટે ખુશખબર છે. મુંબઈ લૉટરીમાંના હાઈ ઇન્કમ કૅટેગરી ગ્રુપ (ઉચ્ચ પગાર ધરાવનારાઓ)ને બાદ કરતાં સૌથી ઓછી આવક, ઓછી આવક તથા મધ્યમ આવક ધરાવનારાઓ માટેનાં ઘરની જાહેરખબરમાં અપાયેલી કિંમતમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે. એ સંદર્ભે 11 ડિસેમ્બરે મ્હાડાના અધ્યક્ષ ઉદય સામંતની મ્હાડાના અધિકારીઓ સાથે બેઠક યોજાવાની છે અને એમાં કિંમતમાં ઘટાડાના નિર્ણય પર સહીસિક્કા થશે એવું મ્હાડાના મુંબઈના સભાપતિ મધુ ચવ્હાણે જણાવ્યું છે.
મ્હાડાની લૉટરીમાંના સૌથી ઓછી આવક ધરાવતા વર્ગ માટે ઘરની કિંમત 14થી 20 લાખ રૂપિયા, ઓછી આવક ધરાવતા વર્ગ માટે 20થી 35 લાખ અને મધ્યમ આવક ધરાવતા વર્ગ માટેનાં ઘરની કિંમત 35થી 60 તેમ જ હાઈ ઇન્કમ ગ્રુપ ધરાવનારાઓ માટેનાં ઘરની કિંમત 60 લાખથી 6 કરોડ રૂપિયા સુધી છે.
મ્હાડાના નવા ધોરણ મુજબ ઘરની કિંમતમાં 20થી 25 ટકા ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં દરેક કૅટેગરીના લોકોને ઘર મોંઘાં લાગ્યાં હતાં. એને ધ્યાનમાં લઈને આ ત્રણ વર્ગના લોકો માટેનાં ઘરની કિંમતમાં 10 ટકા જેટલો ઘટાડો કરવામાં આવવો જોઈએ એવો પત્ર મધુ ચવ્હાણે મ્હાડાના અધ્યક્ષને મોકલ્યો હતો. ત્યાર બાદ હવે 10 ટકા જેટલી કિંમત ઘટાડવાનો નિર્ણય 11 ડિસેમ્બરે લેવામાં આવશે.
મ્હાડાના સભાપતિ મધુ ચવ્હાણે કહ્યું કે `અત્યલ્પ, અલ્પ અને મધ્યમ આવક ધરાવતા જે લોકોને લૉટરીમાં ઘર મળશે તેમની પાસેથી લૉટરીમાં જાહેર કરવામાં આવેલી કિંમત કરતાં 10 ટકા રકમ ઓછી લેવામાં આવશે. જોકે એ સંદર્ભે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.'

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer