મહારાષ્ટ્રમાં બે લાખ લોકોને મોઢાના કૅન્સરનાં લક્ષણ

કુલ 2.14 કરોડ લોકોની તબીબી ચકાસણી કરવામાં આવી હતી
મુંબઈ, તા. 5 : જો તમે તમાકુનાં ઉત્પાદનોનું સેવન કરતા હો તો ચેતી જજો. મહારાષ્ટ્રમાં મોઢાના કૅન્સરની ચકાસણી માટે ચલાવાયેલા મહાઅભિયાન અંતર્ગત બે લાખથી વધુ લોકોને કૅન્સર હોવાની સંભાવના દર્શાવાઈ છે. રાજ્યભરમાં મોઢાના કૅન્સરની માહિતી મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે `મહાઓરલ કૅન્સર તપાસ અભિયાન' ચલાવીને 2.14 કરોડ લોકોને તપાસ્યા હતા. એ તપાસ દરમિયાન 2,62,431 લોકોમાં કૅન્સરની શરૂઆતનાં લક્ષણ જોવા મળ્યાં હતાં. એમાં વ્યક્તિના મોઢાની અંદર સફેદ ચકામા જોવા મળ્યા હતા. દરમિયાન 1778 લોકોની બાયોપ્સી કરાવવામાં આવી હતી જેમાં કૅન્સર હોવાની વધુપડતી સંભાવના હતી. એ રિપોર્ટમાં 544 લોકોને કૅન્સર થયું હોવાની પુષ્ટિ થઈ હતી.
તાતા હૉસ્પિટલના મોઢા અને માથાના કૅન્સર વિભાગના પ્રમુખ ડૉ. પંકજ ચતુર્વેદીએ કહ્યું કે તપાસ અભિયાન દરમિયાન ચકાસણીમાં જે લોકોને કૅન્સરની સંભાવના હતી તેઓને જરૂરી સારવાર આપવાની સાથોસાથ તેમને તમાકુ છોડવા માટે પણ સમજાવાઈ રહ્યા છે. જો તેઓ તમાકુ નહીં છોડે તો હવે જીવ ખોવો પડશે એવી ચેતવણી પણ અપાઈ રહી છે.
રાજ્યમાં 2.14 કરોડ લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું છે જેમાં બે લાખ લોકોમાં કૅન્સરનાં શરૂઆતનાં લક્ષણ જોવા મળ્યાં હતાં. 544 લોકોમાં કૅન્સર હોવાની પુષ્ટિ થઈ છે, જેમાંનાં 40 ટકા કૅન્સર તમાકુને લીધે થયાં છે. મોઢાના કૅન્સરનું 90 ટકા કારણ તમાકુ હોવાનું જણાયું છે.

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer