`બૅન્કોને લોનની મૂળ રકમના સો ટકા ચૂકવવા માગું છું, સ્વીકારવા વિનંતી''

સરકારને અનુલક્ષી માલ્યાએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં આપી `કેફિયત'
નવી દિલ્હી/લંડન, તા. પ: શરાબના ભાગેડુ કારોબારી વિજય માલ્યાએ, બેન્કો પાસેથી પોતે લીધેલી લોનની મૂળ રકમના એકસો ટકા ચૂકવવા બેન્કોને કરેલી ઓફર સ્વીકારી લેવા બેન્કોને વિનંતી કરી છે. માર્ચ '16માં દેશમાંથી નાસેલા માલ્યા સામે ગયા વર્ષના એપ્રિલમાંની ધરપકડ પછીથી પ્રત્યાર્પણ વોરન્ટ સામે જામીન પર રહેલા માલ્યાએ કરેલા શ્રેણીબદ્ધ  ટ્વિટમાં જણાવ્યું છે કે એરલાઈન્સે આર્થિક રીતે સંઘર્ષ વેઠવો પડે છે તેનું આંશિક કારણ છે એટીએફના ઉંચા દરો. કિંગફિશરે ક્રૂડના પ્રતિ બેરલના 140 ડોલરના ભાવનો સામનો કર્યો છે. એ રીતે ખોટ ગંજાવર થતી ચાલી, જેમાં બેન્કોના નાણાં ગયા. લોનની મૂળ રકમના એકસો ટકા ચૂકવી આપવા ઓફર કરું છુ, મહેરબાની કરી તે સ્વીકારશો.
પોતાને ડિફોલ્ટર તરીકે ચિતરવામાં આવ્યા સામે રોષ ઠાલવતાં માલ્યાએ જણાવ્યું છે કે `રાજકારણીઓ અને મીડિયા મને, જાહેર ક્ષેત્રની બેન્કના નાણાં લઈ નાસી ગયેલો ચિતરી સતત ડિફોલ્ટર ગણાવતા આવ્યા છે તે સઘળું જૂઠ છે. મને શા માટે ન્યાયી ટ્રીટમેન્ટ નથી મળતી અને કર્ણાટક હાઈ કોર્ટ સમક્ષ સર્વાંગી પતાવટની મેં કરેલી ઓફર સામે શા માટે એવી જ કાગારોળ મચાવાય છે ? ખેદજનક છે. 3 દાયકા સુધી ભારતનું સૌથી મોટું મદ્યાર્ક બીવરેજ જૂથ  ચલાવ્યું અને તે વાટે દેશની તિજોરીને હજારો કરોડ રૂ. આપ્યા છે. કિંગફિશર એરલાઈન્સે ય સરકારોને સારું એવું યોગદાન આપ્યું છે. એક ફાઈનેસ્ટ એરલાઈન્સ તો ખેદજનક રીતે ખોવી પડી, પરંતુ હું હજીય બેન્કોને ચૂકવી આપવા ઓફર કરું છું, તેથી કોઈ લોસ નથી ગયો. પ્રત્યાર્પણ અંગેના ફેઁસલા સબબ મીડિયામાં સપાટાબંધ આવેલી કથનીઓ મેં જોઈ. તે અલગ બાબત છે અને કાનૂની રાહે ચાલશે. સૌથી મહત્ત્વની વાત છે જાહેર નાણાં અને હું એકસો ટકા ચૂકવવા ઓફર કરું છું. બેન્કો અને સરકારને નમ્રપણે વિનંતી કરું છું કે સ્વીકારી લો. (ઓગસ્ટા કૌભાંડના આરોપી મિશેલને પ્રત્યાર્પણ રાહે દુબઈથી લવાયાના થોડા જ કલાકોમાં માલ્યાએ આ ટ્વિટ કર્યા છે.)

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer