મરાઠા આરક્ષણ સામે હાઈ કોર્ટે સ્ટે ન આપ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : મુંબઈ હાઈ કોર્ટે મરાઠા આરક્ષણને હાલ પૂરતી રાહત આપી છે. કોર્ટે મરાઠા આરક્ષણને સ્થગિત કરવાનો અત્યારે ઇનકાર કર્યો છે. હવે પછી મરાઠા આરક્ષણ સંદર્ભે 2014માં દાખલ કરાયેલી મુખ્ય પિટિશનની સાથોસાથ જયશ્રી પાટીલની અરજીની સુનાવણી 10 ડિસેમ્બરે મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલની ખંડપીઠ સમક્ષ થશે.
મરાઠા આરક્ષણ વિરુદ્ધ આજે કોર્ટમાં દોડી ગયેલાં જયશ્રી પાટીલના વકીલ ગેરહાજર રહેતાં મરાઠા આરક્ષણ પર તાત્કાલિક સુનાવણી કરવાનો મુંબઈ હાઈ કોર્ટે ઇનકાર કર્યો હતો અને બપોરે 3 વાગ્યા સુધીમાં વકીલ સાથે અરજી રજૂ કરવાની પરવાનગી આપી હતી. એ મુજબ આજે બપોરે ત્રણ વાગ્યે ફરી અરજી રજૂ થયા બાદ સુનાવણી થઈ હતી અને એની સુનાવણી કરતાં હાઈ કોર્ટે મરાઠા આરક્ષણને સ્થગિત કરવાનો અત્યારે ઇનકાર કર્યો હતો. હવે પછી એની સુનાવણી 10 ડિસેમ્બરે થશે.
મરાઠા આરક્ષણ કાયદાના વિરોધમાં મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન નોંધાવવામાં આવી છે. રાજ્ય સરકારે 50 ટકાથી વધુ આરક્ષણ જાહેર કરીને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. એ ઉપરાંત એકાદ સમાજને 16 ટકા આરક્ષણ આપવું એ સંવિધાનના નિયમની વિરુદ્ધ છે એવું કહી ઍડ્વોકેટ ડૉ. ગુણરત્ન સદાવર્તેએ પણ 3 ડિસેમ્બરે હાઈ કોર્ટમાં અરજી નોંધાવી છે એટલે સરકારે મરાઠા આરક્ષણ માટે ફરી કોર્ટમાં લડત આપવી પડશે, કારણ કે કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી લૉજિંગ નંબર સદાવર્તેને મળી ગયો છે. મરાઠા આરક્ષણ વતી ઍડ્વોકેટ હરીશ સાળવે લડત ચલાવવાના છે એવું જાણવા મળ્યું છે.

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer