જોગેશ્વરીથી કાંદિવલી સુધીના લાખો પ્રવાસીઓ ત્રસ્ત : અનેક લોકલ ડબલ ફાસ્ટ કરાતાં વધેલી હાલાકી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : પશ્ચિમ રેલવેની પરાંની ટ્રેનોનું નવું સમયપત્રક ગત 1લી નવેમ્બરથી અમલમાં આવ્યું છે, પરંતુ તેનાથી જોગેશ્વરી, ગોરેગામ, મલાડ અને કાંદિવલીના લાખો પ્રવાસીઓ માટે મોંકાણ સર્જાઈ છે.
સવારે ધસારાના સમયે ચર્ચગેટ તરફ આવતા પ્રવાસીઓને હવે ફાસ્ટ ટ્રેન 20થી 25 મિનિટના ગૅપ પછી મળે છે. પરિણામે તેમને તેમના કામધંધે પહોંચવામાં મોડું થાય છે અને તેમને ઘરેથી એટલા વહેલા નીકળવું પડે છે. સવારે 9.53 વાગે કાંદિવલી સ્ટેશને ફાસ્ટ ટ્રેન ઊભી રહે છે. પછી બીજી ફાસ્ટ ટ્રેન છેક 10.13 વાગે એટલે કે 20 મિનિટ પછી મળે છે. અગાઉના સમયપત્રકમાં આ બે ટ્રેનોની વચ્ચે સવારે 10.01 અને 10.06 વાગ્યાની ફાસ્ટ ટ્રેનો હતી તે હવે સ્લો કરી નાખવામાં આવી છે.
કાંદિવલીના રહેવાસી અજય શાહે જણાવ્યું હતું કે સવારે મુંબઈ તરફ જવા માટે હવે અમને વધુ સમય લાગી રહ્યો છે એટલું જ નહીં સાંજે ધસારાના સમયે મુંબઈથી પાછા ફરતાં તો હાલાકી ઔર વધી ગઈ છે.
શાહે જણાવ્યું હતું કે હવે સાંજે અનેક બોરીવલી ફાસ્ટ ટ્રેનોને અંધેરીથી સીધી બોરીવલી ફાસ્ટ કરવામાં આવી છે. જે ટ્રેનો અગાઉ જોગેશ્વરી, ગોરેગામ, મલાડ અને કાંદિવલી સ્ટેશનોએ ઊભી રહેતી હતી હવે તેને ડબલ ફાસ્ટ કરાઈ છે.
સાંજે 6.39 વાગ્યાની બોરીવલી ફાસ્ટ પછી 7.19 વાગ્યાની ફાસ્ટ ટ્રેન અમને મળે છે. જે અંધેરી પછી સ્લો છે. પરંતુ સાંજે 6.49 વાગ્યાની ટ્રેન આખી સ્લો કરી નાખવામાં આવી છે અને સાંજે 7.09 વાગ્યાની બોરીવલી ફાસ્ટ પણ અંધેરીથી બોરીવલી વચ્ચે ક્યાંય ઊભી રહેતી નથી. આમ ફાસ્ટ ટ્રેન 40 મિનિટ પછી મળે છે. આ ઉપરાંત સાંજે 6.14 અને 6.25 વાગ્યાની ફાસ્ટ બોરીવલી પણ અંધેરીથી સીધી બોરીવલી કરી નાખવામાં આવી છે.
મલાડના રહેવાસી રાજેશ ગાલાએ જણાવ્યું હતું કે સાંજે મોટા ભાગની બોરીવલી ફાસ્ટ ટ્રેનો હવે અંધેરી અને બોરીવલી વચ્ચે ફાસ્ટ દોડતી હોવાથી અમારી હાલાકી વધી ગઈ છે. કારણ કે અમારે સ્લો ટ્રેનમાં જવું પડે છે અને સ્લો ટ્રેનો સામાન્ય રીતે 15 મિનિટ મોડી દોડતી હોય છે.
રેલવે સત્તાવાળાઓએ પ્રવાસીઓમાં સર્વે કર્યા વિના કે તેમનાં વાંધાવચકા મગાવ્યા વિના આ સમયપત્રક બનાવતાં પ્રવાસીઓની હાલાકી વધી છે એમ તેમણે જણાવ્યું હતું.
એસી લોકલ મોડી પડે છે
દરમિયાન, દેશની પ્રથમ એસી લોકલ પણ હવે ચર્ચગેટથી બૉમ્બે સેન્ટ્રલ અને દહિસરથી વિરાર વચ્ચેનાં બધાં સ્ટેશનોએ ઊભી રહેતાં મોડી પડવા લાગી છે. કારણ કે તેના દરવાજા ખૂલતાં અને બંધ થતાં એક મિનિટ જેટલો સમય નીકળી જાય છે.
ખાસ કરીને સાંજે 7.49 વાગે ચર્ચગેટથી વિરાર માટે રવાના થતી એસી લોકલ હવે અવારનવાર મોડી પડવા લાગી છે અને કેટલાક દિવસ તે ચર્ચગેટથી 10 થી 15 મિનિટ મોડી ઉપડી રહ્યાનું જણાયું છે. રેલવે તંત્રએ આ સંબંધમાં સર્વે કરીને ઘટતાં પગલાં લેવાં જોઈએ એવી પ્રવાસીઓની માગણી છે.

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer