ધિરાણનીતિ : વ્યાજદરો યથાવત્, એસએલઆરમાં ઘટાડો

મુંબઈ, તા. 5 (પીટીઆઇ) : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ની નાણાનીતિની દ્વિમાસિક સમીક્ષા માટે અત્રે મળેલી મોનેટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠકમાં અપેક્ષા મુજબ ચાવીરૂપ વ્યાજદર રેપો રેટને 6.50 ટકા ઉપર યથાવત્ રખાયો હતો. જોકે, વ્યાપક અપેક્ષાથી વિરુદ્ધ જઇને સમિતિએ નાણાનીતિ ક્રમશ: કડક બનાવવાનું વલણ જાળવી રાખવાની જાહેરાત કરી હતી. રિવર્સ રેપો રેટને પણ 6.25 ટકા ઉપર જાળવી રખાયો હતો. 
જોકે, બૅન્કો વધુ ધિરાણ કરી શકે તે હેતુથી સમિતિએ સ્ટેટયુટરી લિક્વિડિટી રેશિયો (એસએલઆર)માં 0.25 ટકાનો ઘટાડો કરી તેને 19.25 ટકા કર્યો છે. આ કપાત 1 જાન્યુઆરી 2019થી લાગુ થશે. રિઝર્વ બૅન્કે જાહેર કર્યું હતું કે એસએલઆરમાં દર ત્રિમાસિક ગાળામાં 0.25 ટકાનો ઘટાડો કરીને તેને 18 ટકાના સ્તર સુધી નીચે લાવવામાં આવશે. આજે મધ્યસ્થ બૅન્કે સતત બીજી વાર વ્યાજ દરો યથાવત્ રાખ્યા હતા. સમિતિનાં પગલાં ગ્રાહક ભાવાંકનો ફુગાવે - કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)ઁ મધ્યમ ગાળામાં ચાર ટકા સુધી મર્યાદિત રાખવાના(+/-2 ટકાના) લક્ષ્ય અને નાણાંનીતિને કડક બનાવવાના વલણને અનુરૂપ હોવાનું આરબીઆઇએ જણાવ્યું હતું. 
 
 

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer