લીલો ઘાસચારો ઉપલબ્ધ કરાવતા ગૌ-ગ્રાસ ઉત્પાદન મશીનનું લોકાર્પણ

લીલો ઘાસચારો ઉપલબ્ધ કરાવતા ગૌ-ગ્રાસ ઉત્પાદન મશીનનું લોકાર્પણ
ઉકરડા ચાટતા ગૌવંશ પાસેથી સારા દૂધની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
મુંબઈ, તા.પ : વિલે-પાર્લેસ્થિત સંન્યાસ આશ્રમની ગૌશાળા નજીક ગોપાષ્ટમીના અવસરે પ્રાયોગિક ધોરણે મુકાયેલાં ગૌગ્રાસ ઉત્પાદન મશિનનું લોકાર્પણ આજે આશ્રમના અધ્યક્ષ મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદગિરિજી મહારાજના હાથે કરાયું હતું. એમઇટીના ડિરેક્ટર જનરલ ડૉ. વિજય પાગેએ તૈયાર કરેલા લીલા ઘાસ (જુવારા) ઉગાવવાના મશિનના લોકાર્પણ પ્રસંગે આરએસએસના ભૂતપૂર્વ સંપર્ક પ્રમુખ અને ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ સુરેશ જૈન, પ્રબુદ્ધ પાર્લેકર શ્રીકાંત જોશી (ગુરુજી) અને મહારાષ્ટ્રના પૂર્વ પોલીસ વડા સુભાષ આવટે હાજર રહ્યા હતા. 
ઉપસ્થિતોને સંબોધતા સ્વામીજીએ કહ્યું હતું કે દેશની સ્વતંત્રતા બાદ જળ, જમીન અને ગૌવંશ પર કેટલાંક વગર વિચાર્યા પ્રયોગો થયા છે જેના કારણે પર્યાવરણ પર માઠી અસર પહોંચતા આજે પાણી, ભોજન કે બાળકોને અપાતા દૂધની શુદ્ધતા પણ શંકાના વર્તુળમાં આવી છે. ગોચરની જમીનો ઉદ્યોગિક વિકાસે પચાવી પાડી છે. સ્વસ્થ સમાજ માટે ગોવંશ અત્યાવશ્યક છે. ગોવંશની તંદુરસ્તી ભારતીયોની તંદુરસ્તી અને મનદુરસ્તી સાથે સીધી સંકળાયેલી છે. ગાયો રસ્તે રઝળે અને પ્લાસ્ટિકની થેલીઓ કે ઉકરડા ચાટતી હોય તો આપણે સારા દૂધની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? આપણો સમાજ જલદી નવું નથી સ્વીકારતો. ડૉ પાગેએ વર્ષોની મહેનત બાદ તૈયાર કરેલા આ મશિનને આપણે આવકારવું જોઇએ. તેમાં કેટલીક ટેક્નિકલ ખામીઓ હશે તો તે આજે નહીં તો કાલે દૂર થશે.
માટી કે સૂર્યપ્રકાશ વગર વિશાળ કદના રેફ્રિજરેટર જેવા દેખાતા આ અૉટોમેટિક મશિનમાં જવ સહિતનો પશુઓનો લીલો ચારો (જુવારા) ઉગાડી શકાય એ રીતે તેનું તાપમાન ઠંડુ રાખવામાં આવે છે અને અંદર ટયુબલાઇટ તેમ જ ફુવારાથી પાણી સાથે તેમાં જૈવિક ખાતરનો છંટકાવ એની મેળે જરૂર પ્રમાણે થયે રાખે છે. ડૉ પાગેએ કહ્યું હતું કે આ મશિનની ક્ષમતા રોજના સો કિલો જુવારા ઉગાડવાની છે અને 21 દિવસે તૈયાર થતો ચારો મશિનમાં માત્ર આઠ દિવસમાં તૈયાર કરી શકાય છે. તેમાં હવે ઇલેક્ટ્રિસિટીના બદલે સોલાર પાવર અને ખાતર તરીકે ગોમય અને ગૌમૂત્રનું સૂચન થયું છે, હવે હું એ દિશામાં પ્રયોગ કરીશ. તેમણે કહ્યું હતું કે કુદરતી વાતાવરણમાં ઉગેલા ઘાસ કે લીલો ચારો પશુઓ માટે શ્રેષ્ઠ જ છે પરંતુ આ મશિન શહેરી વિસ્તાર માટે છે ઉપરાંત જે વિસ્તારમાં જમીનની ગુણવત્તા સારી નથી અને સતત પાણીની અછત રહે છે એવા ગ્રામ્ય વિસ્તારોમાં ગૌવંશને જરૂરી વીસ ટકા લીલો ચારો બારે મહિના મળી રહે એ માટે આ મશિન તૈયાર કરાયું છે. સુરેશ જૈને પણ ગોવંશનું મહત્ત્વ સમજાવ્યું હતું અને લોકોને ગોવંશ ટકાવી રાખવા ગૌશાળાઓને જરૂરી મદદ કરતા રહેવાની અપીલ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer