`િબલાડીની જેમ લડી રહ્યા હતા સીબીઆઇના ટોચના અધિકારીઓ''

`િબલાડીની જેમ લડી રહ્યા હતા સીબીઆઇના ટોચના અધિકારીઓ''
સુપ્રીમમાં ઍટર્ની જનરલનું વિધાન
નવી દિલ્હી, તા.5 : સીબીઆઈ નિર્દેશક આલોક વર્માને રજા પર મૂકવા વિરુદ્ધની અરજીની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમ્યાન એટર્ની જનરલ (એજી) કે.કે. વેણુગોપાલે કહ્યું હતું કે સીબીઆઈના બે સર્વોચ્ચ અધિકારીઓ વચ્ચેની લડાઈ લોકોની વચ્ચે આવી ગઈ હતી અને તેથી કેન્દ્ર સરકાર આખા મામલાને લઈને ચિંતિત હતી. કોણ સાચું અને કોણ નહીં તેનો નિર્ણય સરકાર અને સીવીસીએ લેવાનો હતો.
મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે એજીને પૂછ્યું હતું કે સીબીઆઈ નિર્દેશક આલોક વર્મા પોતાની લડાઈને જનતા વચ્ચે લઈ જવાના છે તે અંગેના તેમના પાસે કોઈ પુરાવા છે ખરા. ત્યારબાદ એજી વેણુગોપાલે કોર્ટને અખબારોમાં છપાયેલા સમાચારોના કટિંગ્સ સોંપ્યાં હતાં.
એજીએ કહ્યું હતું કે સીબીઆઈમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવા સરકાર તરફથી કાર્યવાહી બેહદ જરૂરી હતી. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવો પડયો હતો. મામલાની સાવધાનીપૂર્વક તપાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સીબીઆઈ નિર્દેશકને રજા પર મોકલી દેવામાં આવે.
એજીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સીબીઆઈ નિર્દેશક આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેની લડાઈ આમ જનતા વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ હતી. કેન્દ્ર સરકાર મામલા પર નજર રાખી રહી હતી. બંને બિલાડીની જેમ લડી રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer