યુવા કૉંગ્રેસે મિશેલના વકીલને પક્ષમાંથી હાંકી કાઢ્યા

યુવા કૉંગ્રેસે મિશેલના વકીલને પક્ષમાંથી હાંકી કાઢ્યા
નવી દિલ્હી, તા. 5 : અગસ્તા વેસ્ટલૅન્ડ ચૉપર ડીલમાં કથિત વચેટિયા કિશ્ચિયન મિશેલના વકીલ તરીકે અદાલતમાં રજૂ થનાર અલિયો કે. જોસેફને પાણીચું અપાયું છે. યુવા કૉંગ્રેસે કહ્યું હતું કે પક્ષ સાથે વિચારવિમર્શ કર્યા વિના મિશેલનો કેસ લેવા બદલ તેમને તત્કાળ પક્ષમાંથી બરતરફ કરાયા છે.
વીવીઆઈપી ચોપર ડીલના કથિત કૌભાંડ કેસમાં વચેટિયા કિશ્ચિયન મિશેલને બુધવારે પટિયાલા કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, આ બાબતે અગાઉ જ બેકફૂટમાં મુકાયેલી કૉંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપના નેતાએ ટ્વીટ કરીને કહ્યું છે કે મિશેલના વકીલ અલ્જો કે. જોસેફ ભારતીય યુવા કૉંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના નેશનલ ઈન્ચાર્જ છે. જોકે જોસેફે એવો ખુલાસો કર્યો છે કે હું એક ઍડવોકેટ છું અને એક પ્રોફેશનલ તરીકે મિશેલના વકીલની ભૂમિકામાં છું. મારા અસીલનો કેસ અદાલતમાં રજૂ કરવો એ મારી ફરજ છે. આ બાબતને મારા પક્ષ કૉંગ્રેસ સાથે કંઈ લેવાદેવા નથી. જોસેફે કહ્યું કે મારી પ્રોફેશનલ અને રાજકીય કારકિર્દી અલગ બાબત છે. મારા એક મિત્રની મદદથી ઈટલીના એક વકીલે મારો સંપર્ક કરતાં મેં આ કેસ સ્વીકાર્યો છે. મિશેલ ભારત આવતાં કૉંગ્રેસની મુશ્કેલીઓ વધી છે.
અગાઉ વિપક્ષ રફાલ ડીલમાં ભાજપ પર હુમલા કરતી હતી, પરંતુ હવે ભાજપ અગસ્તા વેસ્ટલૅન્ડ કેસમાં કૉંગ્રેસને ઘેરી રહી છે.
રાજસ્થાનના જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના પ્રમુખ અમિત શાહે મિશેલના બહાને કૉંગ્રેસ પર હુમલો કર્યો. શાહે કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. તેમણે કહ્યું કે અમે વચેટિયાને પકડયો તો શું ખોટું કર્યું? શું વિપક્ષ એને બચાવવા માગે છે.
હૈદરાબાદની રૅલી દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે પ્રતિક્રિયા માગી તો રાહુલે કહ્યું કે આ બાબતે પક્ષે પહેલા જ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વડા પ્રધાને બતાડવું જોઈએ કે રફાલ માટે 30,000 કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં કેમ નાખ્યા? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ચૂંટણીસભામાં હેલિકૉપ્ટરના મુદ્દે સોનિયા અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer