મુંબઈગરાને નિ:શુલ્ક મળશે કાપડની થેલીઓ !

મુંબઈ, તા. 6 : પ્લાસ્ટિકની થેલીઓ પડતી મૂકીને મુંબઈગરાને કાપડની થેલીઓ વાપરવાની ટેવ પડે તે માટે વિનામૂલ્ય કાપડની થેલીઓનું વિતરણ કરવાનો નિર્ણય મહાપાલિકાએ લીધો છે. આ થેલીઓ ખરીદવા માટે નગરસેવક ભંડોળ વાપરવાની પરવાનગી પાલિકા આયુક્ત અજય મહેતાએ આપી છે.
પાલિકાએ આ સંદર્ભનો પ્રસ્તાવ રાજ્યના નગરવિકાસ ખાતાને અંતિમ મંજૂરી માટે મોકલ્યો છે. નગરવિકાસ ખાતાની મંજૂરી પછી કાપડની થેલીઓ મુંબઈમાં વિતરીત કરવામાં આવશે એમ પાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
જનજાગૃતિ સાથે જ મુંબઈગરાઓને નિ:શુલ્ક કાપડની થેલીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળી શકાય એમ નગરસેવકોએ તંત્રને સભાગૃહમાં વાકેફ કર્યા છે. જોકે કાપડની થેલીઓ વિનામૂલ્ય વિતરીત કરવાની કોઈ આર્થિક જોગવાઈ પાલિકા બજેટમાં નથી. તેને લઈ મુંબઈના નગરસેવક ભંડોળમાંથી કાપડની થેલીઓ વિતરીત કરવાની પરવાનગી આપવામાં આવે એવી માગણી સર્વપક્ષીય નગરસેવકોએ કરી છે.
આ માટે નગરસેવક ભંડોળની વ્યાખ્યામાં બદલાવ કરવો આવશ્યક હતો તે માટે પાલિકા સભાગૃહમાં વિનામૂલ્ય કાપડની થેલીઓ વિતરીત કરવાનો ઠરાવ મંજૂર કરીને પાલિકા આયુક્તને મંજૂરી માટે મોકલવામાં આવ્યા પછી તેમણે આ પ્રસ્તાવ નગરવિકાસ ખાતાને મોકલ્યો છે.
 
 
 

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer