અયોધ્યામાં ભારે સુરક્ષા વચ્ચે BJP ઊજવશે શૌર્ય દિવસ

અયોધ્યામાં ભારે સુરક્ષા વચ્ચે BJP ઊજવશે શૌર્ય દિવસ
બાબરી ધ્વંસનાં આજે 26 વર્ષ પૂર્ણ
અયોધ્યા, તા. 6 : 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં થયેલા બાબરી ધ્વંસને આજે 26 વર્ષ પૂરાં થયાં છે. 
2019માં થનારી લોકસભાની ચૂંટણી પહેલાં રામમંદિર નિર્માણનો મુદ્દો ખૂબ વિવાદમાં છે. આ સંજોગોમાં બાબરી ધ્વંસની વરસી પર અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 
આજે ભારતીય જનતા પાર્ટીના અયોધ્યાના કાર્યકરો ભવનમાં શૌર્ય દિવસ મનાવશે, જ્યારે મુસ્લિમ પક્ષના લોકો આ મામલે મુદ્દઈ ઈકબાલ અંસારીના ઘરે બ્લેક-ડેની ઉજવણી કરશે. અયોધ્યા સિવાય આજે દિલ્હી સહિત દેશના ઘણા વિભાગોમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને શિવસેનાએ વિવિધ કાર્યક્રમ રાખ્યા છે. 
દિલ્હી બીજેપીના ઉપાધ્યક્ષ જયપ્રકાશે તેમના સમર્થકો સાથે રામમંદિર નિર્માણ વિશે ઝંડેવાલાન મંદિરમાં યજ્ઞનું આયોજન કર્યું છે. જ્યારે શિવસેના પણ આજે જંતર-મંતર પર પ્રદર્શન કરવાની છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ સપરિવાર રામલલ્લાનાં દર્શન કર્યાં હતાં. 
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમાજે મળીને અયોધ્યામાં ધર્મસભાનું પણ આયોજન કર્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આવો જ એક કાર્યક્રમ 9 ડિસેમ્બરે દિલ્હીમાં થવાનો છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 
રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ અયોધ્યા વિશે થોડા સમય પહેલાં એક મોટી જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી શ્રીરામની 201 મીટર ઊંચી મૂર્તિ બનાવવામાં આવશે. તાજેતરમાં તેની એક તસવીર પણ જાહેર કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer