ડૉલર મક્કમ રહેતા સોનામાં નરમાઈ

ડૉલર મક્કમ રહેતા સોનામાં નરમાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 : ડૉલરમાં મજબૂતી અને સોનામાં નફારૂપી વેચવાલીની અસરથી સોનામાં સુસ્તીનો માહોલ સર્જાયો છે. વૈશ્વિક સ્તરે સાંકડી રેન્જમાં સોનું અથડાય છે. ન્યૂ યોર્કમાં 1237 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રનિંગ હતું. વિશ્લેષકો કહે છે, ચાર્ટમાં 1240 ડોલરનું સ્તર પ્રતિકારક છે. આ સ્તરની નજીક પહોંચતા સોનામાં વેચવાલી આવી જાય છે. જોકે આ સ્તર વટાવીને ત્રણ દિવસ બંધ રહે તો સોનામાં 1250 જોવા મળી શકે છે. આવતી કાલે ઓપેક દેશોની ક્રૂડતેલના ઉત્પાદન માટે બેઠક છે એ ઉપરાંત નોન ફાર્મ પેરોલ ડેટાની જાહેરાત થવાની છે એ પૂર્વે થોભો અને રાહ જુઓની નીતિ બુલિયન ટ્રેડરોએ અપનાવી હતી. ફેડરલ રિઝર્વની નાણાં નીતિ અંગેની બેઠક 18-19 ડિસેમ્બરના રોજ મળવાની છે. એ પણ બજારભાવ ઉપર પ્રભાવ પાડશે.
ડિસેમ્બરમાં અમેરિકાના વ્યાજદર વધવાનું નિશ્ચિત દેખાય છે પણ ફેડ આવતા વર્ષના વ્યાજદર અંગે કોઇ સંકેત આપે છે કે કેમ તે જાણવાની સૌને આતુરતા છે. ફેડે અગાઉ 2019માં ત્રણેક વખત વ્યાજદર વધારો થશે તેવું નિવેદન આપ્યું હતુ. જોકે આર્થિક વિકાસ નબળો પડયો હોવાની વાતોને લીધે હવે ખરેખર કેટલી વખત અમેરિકા દર વધારો કરશે તે અંગે ઇંતેજારી છે. સોનાના ભાવ ઉપર ટૂંકાગાળામાં ડોલરની વધઘટ પ્રભાવ પાડશે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામદીઠ રૂ.150 વધીને રૂ. 31,850 હતું.  મુંબઇમાં રૂ. 95 વધતા રૂ. 31,115 હતુ. ચાંદી ન્યૂયોર્કમાં 14.35 ડોલર હતી. રાજકોટમાં કિલોદીઠ રૂ. 100ના ઘટાડામાં રૂ. 37,000 હતી. મુંબઇમાં રૂ. 120ના ઘટાડામાં રૂ. 36,330 હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer