સ્થાનિક અને વિદેશી રોકાણકારો વૈશ્વિક પરિબળોથી ભયભીત

સ્થાનિક અને વિદેશી રોકાણકારો વૈશ્વિક પરિબળોથી ભયભીત
શૅરબજારો ઊંધા માથે પટકાયાં
 
બૅન્ક, અૉઈલ-ગૅસ, અૉટો ક્ષેત્રમાં ગભરાટભરી વેચવાલી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : શૅરબજારમાં તમામ સ્તરે વેચવાલીના દબાણે આજે એનએસઈ નિફટીમાં 182 પૉઈન્ટનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજાર મુખ્યત્વે એશિયન બજારની નબળાઈ, રૂપિયામાં ડૉલર સામે પુન: 71ની સપાટી, ઓપેકની બેઠકમાં સંભવિત ક્રૂડ ઉત્પાદન ઘટાડાની સંભાવનાથી સ્થાનિક બજાર આજે શરૂઆતથી નરમ ખૂલ્યા પછી સતત ઘટતું ગયું હતું. બીજી તરફ એફપીઆઈએ રૂા. 358 કરોડનું નેટ વેચાણ કરવા સામે ડીઆઈઆઈ દ્વારા પણ રૂા. 791.59 કરોડની નેટ બુધવારે વેચવાલીના આંકડાને લીધે રિટેલમાં રોકાણકારો-ટ્રેડરો પણ લેણમાં હળવા થવાથી બજાર સતત તૂટતું ગયું હતું. જેથી એનએસઈ નિફટી 10722થી નીચે ખાબકીને 10588 સુધી ઘટયા બાદ 182 પૉઈન્ટ ઘટીને 10601 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ 572 પૉઈન્ટ ઘટીને 35358 બંધ રહ્યો હતો.
આજે વૈશ્વિક બજારના નબળા અહેવાલ અને રિઝર્વ બૅન્કની નાણાધિરાણ પ્રક્રિયાના અસંતોષને લીધે બૅન્કિંગ શૅરોમાં મોટો ઘટાડો આવવાથી બૅન્કેક્સ 1.2 ટકા ઘટયો હતો. જ્યારે ઊંચામાં નફાતારવણીના પ્રત્યાઘાતી ઘટાડે આઈટી શૅરોનો સૂચકાંક 2.1 ટકા અને મારુતિ અને આઈશર મોટર્સના તીવ્ર કડાકાથી અૉટો ઈન્ડેક્ષ 2.2 ટકા નીચે બંધ રહ્યો હતો. બજારના બીએસઈ મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેક્ષ અનુક્રમે 1.5 અને 1.3 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજના ઘટાડાની તીવ્રતામાં નિફટીના મુખ્ય 50 શૅરમાં 47 શૅરના ભાવ ઘટવા સામે માત્ર 2 શૅર સુધારે હતા. આજે ઘટનારા મુખ્ય શૅરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 31, મારુતિ સુઝુકી રૂા. 344, આઈશર મોટર્સ રૂા. 582, બજાજ અૉટો રૂા. 46 ઘટયા હતા. ફાર્મા ક્ષેત્રે ડૉ. રેડ્ડીસ રૂા. 30 અને સિપ્લામાં રૂા. 13નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે એચયુએલ અને એશિયન પેઈન્ટ અનુક્રમે રૂા. 46 અને રૂા. 34, અલ્ટ્રાટેક રૂા. 104, જ્યારે તેલ માર્કેટિંગ અને ઉત્પાદન કરનાર કંપનીના શૅર્સમાં સરેરાશ રૂા. 3થી 4નો ઘટાડો નોંધાયો હતો.
બૅન્કિંગમાં મોટા ભાગના શૅરોમાં કડાકો બોલાયો હતો. જેમાં એક્સિસ બૅન્ક રૂા. 15, ઈન્ડસઈન્ડ રૂા. 34, એસબીઆઈ રૂા. 4, કોટક બૅન્ક રૂા. 31 ઘટયા હતા. જ્યારે એચડીએફસી રૂા. 27 અને ઈન્ડિયાબુલ્સ રૂા. 43 ઘટાડે રહ્યા હતા. માત્ર સનફાર્મા રૂા. 7 સુધર્યો હતો. આજના તીવ્ર ઘટાડા પછી એનલિસ્ટોના માનવા પ્રમાણે હવે 200 ડીએમએ પ્રમાણે ઉપરમાં 10749નું લેવલ અતિ મહત્ત્વપૂર્ણ બને છે. જ્યારે સપોર્ટ લેવલ તરીકે 10463 અને 10510 મહત્ત્વપૂર્ણ બનશે.
વિદેશી-એશિયન બજારો
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ 21 સેન્ટ ઘટીને 61.35 ડૉલર રહ્યું હતું. ઓપેકની બેઠકના નિર્ણય પછી ફાઈનલ ટ્રેન્ડ આપશે. આમ છતાં આજે ક્રૂડતેલની પુરવઠા સ્થિતિને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતાથી હૉંગકૉંગમાં હૅંગસૅંગ અને જપાન અને શાંઘાઈમાં સૂચકાંક 2.75 ટકા ઘટીને બંધ રહ્યા હતા. ચીનની અગ્રણી ટેક્નૉલૉજી કંપની હુઆઈના સીએફઓની ધરપકડના અહેવાલથી એશિયન બજારના ટેક.શૅરો અને સૂચકાંકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer