ફીચે જીડીપીના વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 7.1 ટકા કર્યો
નવી દિલ્હી, તા.6 (પીટીઆઈ) : ઊંચા નાણાકીય ખર્ચ અને ધિરાણ માટે રોકડની ઉપલબ્ધતા ઘટતાં ફીચ રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપીનો અંદાજ ઘટાડીને 7.2 ટકા કર્યો છે. ફીચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 2019-'20માં 7 ટકા અને 2020-'21માં 7.1 ટકા થવાનો અંદાજ પણ વ્યક્ત કર્યો છે.
જૂનમાં ફીચે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતનો વૃદ્ધિ દર 7.4 ટકા અને 2019-'20 માટે 7.5 ટકા અંદાજ મૂક્યો હતો. ફીચના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ધારણા કરતાં નબળા જીડીપીના આંકડા, ઊંચા નાણાકીય ખર્ચ અને ધિરાણ ઉપલબ્ધતા ઘટતા અમે વૃદ્ધિનો અંદાજ ઘટાડયો છે. માર્ચ 2019માં પૂરા થતા નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ 7.2 ટકા અને નાણાં વર્ષ-'20માં 7 ટકા જ્યારે નાણાં વર્ષ-'21માં 7.1 ટકા થવાનો અંદાજ છે.
સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ ધીમી પડીને 7.1 ટકા થઈ હતી, જે જૂન અંતના ત્રિમાસિક ગાળામાં 8.2 ટકા હતી.
નાગરિકોની ખર્ચ શક્તિ 8.6 ટકાથી ઘટીને 7 ટકા થઈ છે. જોકે, આ આંકડા હજી સારા છે. અન્ય પરિબળોને લીધે સ્થાનિક માગ વધી હતી, તેમ જ રોકાણમાં પણ ઉમેરો થયો હતો, જેના પરિણામે વર્ષ 2017ના બીજા છમાસિક ગાળામાં પરિસ્થિતિ સારી હતી. જોકે, આયાત વધતાં બાહ્ય ક્ષેત્ર એકંદર જીડીપી માટે નકારાત્મક પરિબળ સાબિત થયું છે.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ 2019માં ચૂંટણી હોવાથી તેમની નાણાકીય નીતિ વૃદ્ધિને ટેકો આપશે. 2019ના અંત સુધીમાં રૂપિયો ડૉલર સામે નબળો પડીને 75 જેટલો થશે. રોકાણ વધવાથી, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ વધવાથી રોકાણ/જીડીપી રેશિયોમાં ઘટાડાનો ટ્રેન્ડ અટક્યો છે. ગ્રામીણ માગને ટેકો આપવા માટે પણ પગલાં લેવાઈ રહ્યાં છે. ભારતનું બૅન્કિંગ ક્ષેત્ર નૉન-પરર્ફોમિંગ એસેટ્સ (એનપીએ)ની સમસ્યાથી ત્રસ્ત છે, જ્યારે નૉન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટયૂશન (એનબીએફઆઈ) આઈએલએન્ડએફએસના ડિફોલ્ટની પ્રતિકૂળ અસરથી પિડાઈ રહી છે. તાજેતરના વર્ષોમાં કુલ ધિરાણમાં એનબીએફઆઈનો હિસ્સો વધ્યો છે અને ક્રેડિટ પણ નોંધપાત્ર રીતે વધી છે. અત્યાર સુધીમાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) સરકારના આદેશને પગલે લિક્વિડિટી પૂરી પાડી રહી છે અને સરકાર હસ્તક બૅન્કોએ એનબીએફઆઈને જે ધિરાણ આપ્યું હોય તે ઉપરના નિયંત્રણો પણ ઓછા કરી રહી છે.
ફીચના મતે આગામી મહિનાઓમાં અનાજના ભાવ સામાન્ય થશે, પરંતુ રૂપિયાના મૂલ્યમાં ઘટાડા થાય તો ઊંચા આયાત ભાવને લીધે ફુગાવો આંશિક વધશે. વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિ મજબૂત થવાની વચ્ચે રાજકોષિય ખાધ વધતાં ચલણ ઉપર દબાણ વધશે, જેથી 2019ના અંત સુધીમાં રૂપિયો ડૉલર સામે નબળો પડીને 75 જેટલો થશે.
ઊંચા નાણાકીય ખર્ચ અને ધિરાણની ઉપલબ્ધતા ઘટતાં
