કરતારપુર કોરિડોર વન વે રહેશે : પાકિસ્તાનનો નવો પેંતરો

સેનાએ કહ્યું, દેશના શીખો કોરિડોર મારફતે ભારત નહીં જઈ શકે
 
ઈસ્લામાબાદ, તા. 6 : કરતારપુર કોરિડોરના શિલાન્યાસ બાદ હવે ધીમે-ધીમે  પાકિસ્તાન પોત પ્રકાશી રહ્યું છે. કોરિડોર મામલે નવો પેંતરો કરતા પાકિસ્તાને કહ્યું છે કે, કોરિડોર વન વે રહેશે. પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે, કોરિડોર એકતરફી રહેશે. જેથી પાકિસ્તાનના શિખ કોરિડોરનો ઉપયોગ કરીને ભારત આવી શકશે નહીં. આ ઉપરાંત ભારતથી જતા શિખ શ્રદ્ધાળુઓને પણ કરતારપુરમાં જ રહેવું પડશે. 
પાકિસ્તાન આર્મીના કહેવા પ્રમાણે કોરિડોર બનવામાં 6 મહિનાનો સમય લાગશે. કોરિડોર તૈયાર થયા બાદ એક દિવસમાં કુલ 4 હજાર શિખ શ્રદ્ધાળુ કરતારપુર પહોંચી શકશે. બીજી તરફ આસિફ ગફૂરે ભારતીય મીડિયા ઉપર આરોપો પણ મુક્યા હતા અને કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાને કરેલા પ્રયાસોને નકારાત્મક રીતે બતાવવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. પાકિસ્તાન સેનાના નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયે જવાબરૂપે ટિપ્પણી કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે, આસ્થા સંબંધિત કામગીરીમાં પણ પાકિસ્તાન રાજનીતિક લાભ લેવાના પ્રયાસો કરી રહ્યું છે જે હકીકતમાં દુર્ભાગ્યપૂર્ણ  છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer