`બહેતર ભારત'' અભિયાનમાં જોડાવા વિદ્યાર્થીઓને રાહુલ ગાંધીનો અનુરોધ

આનંદ  કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 6 : કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા દેશના વિદ્યાર્થીઓને પક્ષની યુવાલક્ષી ચળવળ `બહેતર ભારત'માં જોડાવાનો અનુરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ કદાચ 2014માં નરેન્દ્ર મોદીને ટેકો આપનારા અને હવે અસંતુષ્ટ થયેલા વિદ્યાર્થીઓના દિલ જીતી લેવાની વ્યૂહરચના અપનાવી હોય એવું લાગે છે.
એનએસયુઆઈ દ્વારા કૉંગ્રેસની વિદ્યાર્થી ચળવળનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય રાજકીય નેતાગીરીમાં સામેલ કરવા વિદ્યાર્થીઓ માટે સંસ્થાકીય અવકાશ ઊભો કરવાનો અને 2019ની સામાન્ય ચૂંટણીઓ માટેના એજન્ડાને પ્રભાવિત કરવાનો છે. વિદ્યાર્થીઓને ``રાષ્ટ્રના ઘડવૈયા'' ગણાવતા રાહુલ ગાંધીએ ગુરુવારે લખેલા પત્રમાં ફીના ઊંચા દરો, મર્યાદિત બેઠકો માટે જોરદાર સ્પર્ધા, માહિતી અને દિશાનો અભાવ, શિક્ષણ અને રોજગાર વચ્ચેનું અંતર જેવા મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડયો હતો.
વિદ્યાર્થીઓને આ ચળવળમાં જોડાવાનો અનુરોધ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ તેમની લડત અને કૃતનિશ્ચયને માન આપે છે અને તેમની સાથે કામ કરવા માગે છે. રાહુલ ગાંધીએ આ કાર્યક્રમની વિગતો આપી હતી.
તમામ પ્રાદેશિક ભાષાઓમાં આ પત્રનું ભાષાંતર કરવામાં આવ્યું છે અને `બહેતર ભારત' ચળવળના ભાગરૂપે આ પત્રો એનએસયુઆઈ દ્વારા દેશભરની કૉલેજોમાં વિતરિત કરવામાં આવશે. રાષ્ટ્રની વિવિધ વિદ્યાપીઠોમાં હાલ ફી વધારા સામે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે ગાંધીનો આ પત્ર ઘણો મહત્ત્વનો સાબિત થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer