પરાંના 75 લાખ પ્રવાસીઓ માટે આનંદના સમાચાર

પરાંના 75 લાખ પ્રવાસીઓ માટે આનંદના સમાચાર
લોકલ પ્રવાસ આરામદાયક અને કૂલ બનાવવા રાજ્ય સરકારે 54,777 કરોડના પ્રોજેક્ટોને મંજૂરી આપી
 
હાર્બર લાઈનનું હવે બોરીવલી સુધી વિસ્તરણ : ખર્ચ 826 કરોડ : 17,374 કરોડના ખર્ચે આવશે 210 એસી લોકલ ટ્રેન

મુંબઈ, તા. 6 : મહાનગર મુંબઈ અને તેની ભાગોળે આવેલાં શહેરોના પ્રવાસીઓનો રેલવે પ્રવાસ સુખમય અને વધુ સરળ બનાવવા માટે રાજ્ય સરકારે 54,777 કરોડ રૂપિયાના જંગી મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) 3-એને બુધવારે મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટથી હાલનાં પરાંની ટ્રેનોનું નેટવર્ક વધુ સુદૃઢ થશે અને તેનું મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) સુધી વિસ્તરણ કરવામાં આવશે.
બુધવારે બહાર પાડવામાં આવેલા ગવર્મેન્ટ રિઝોલ્યુશન (જીઆર)માં જણાવાયું છે કે રેલવે નેટવર્ક વધુ સુદૃઢ બનાવવાની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવી રહ્યો છે.
હાલ પરાંની ટ્રેનોનાં નેટવર્ક દ્વારા દરરોજ સરેરાશ 75 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. એમયુટીપી 3-એ હેઠળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને પનવેલ વચ્ચે એલિવેટેડ કોરિડોર બાંધવાની યોજના છે. જેના થકી હાલ નવી મુંબઈમાં બની રહેલા આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ સાથે કનેક્ટિવિટી મળશે.
રેલવેના ઉચ્ચાધિકારીઓના જણાવ્યા પ્રમાણે હવે આ પ્રસ્તાવ નીતિ આયોગની મંજૂરી માટે મોકલાશે અને છેવટે કેન્દ્રીય પ્રધાન મંડળની મંજૂરી માટે મોકલવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ મહાનગર મુંબઈને 210 નવી એસી ટ્રેન મળવાની છે.
મુંબઈમાં રેલવેની માળખાકીય સવલતો ઊભી કરવાના કાર્યનો અમલ કરનાર ભારતીય રેલવેના સંયુક્ત સાહસ એવા મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ને આ જી.આર. અંગે સરકારે વાકેફ કરી દીધું છે. રાજ્ય સરકાર આ પ્રોજેક્ટમાં 50:50 ટકાના ધોરણે ખર્ચ આપવા સંમત થઈ છે.
પ્રોજેક્ટગ્રસ્તોનું સ્થળાંતર અને પુનર્વસન અગાઉના એમયુટીપી પ્રોજેક્ટો પ્રમાણે થશે.
નવી ટ્રેનો માટે 17,374 કરોડ રૂપિયા
પરાંનો પ્રવાસ વધુ આરામદાયક બનાવવા રેલવે 210 નવી એસી ટ્રેનો મેળવશે અને આનાથી પાટા પર થતાં મૃત્યુમાં ઘટાડો થશે.
પનવેલ-વિરાર લાઈન માટે 7184 કરોડ
પનવેલ-વિરારની પરાંની લાઈન માટે 7184 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જેનાથી પૂર્વ-પશ્ચિમ કનેક્ટિવિટી મળશે અને હાલના કોરિડોર પર બોજો ઘટશે.
બોરીવલી-વિરારની 5/6 લાઈન માટે 2184 કરોડ
બોરીવલી અને વિરાર વચ્ચે હાલ ચાર લાઈન છે. આ પ્રોજેક્ટ હેઠળ વધુ બે લાઈન નાખવામાં આવશે. પરિણામે મુંબઈ સેન્ટ્રલથી છેક વિરાર વચ્ચે લાંબા અંતરની ટ્રેનો માટે અલાયદી લાઈન ઊભી થશે અને પરાંની ટ્રેનોની નિયમિતતા વધશે.
બોરીવલી હાર્બર માટે 826 કરોડ
તાજેતરમાં સીએસએમટીથી અંધેરીની હાર્બર લાઈનને ગોરેગામ સુધી વિસ્તારવામાં આવી હતી, હવે આ પ્રોજેક્ટ હેઠળ તે બોરીવલી સુધી વિસ્તારવામાં આવશે જે માટે 826 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
16 સ્ટેશનોની કાયાપલટ માટે 947 કરોડ
પશ્ચિમ અને મધ્ય રેલવેનાં મહત્ત્વનાં 16 સ્ટેશનોની કાયાપલટ માટે 947 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
હાર્બર લાઈન માટે 1391 કરોડ
હાર્બર લાઈન પર ઓછા સમયમાં વધુ ટ્રેનો દોડાવવા કમ્યુનિકેશન આધારિત ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ (સીબીટીસી) ઊભી કરવા 1391 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કલ્યાણ બદલાપુર 3/4 લાઈન માટે 1510 કરોડ
મધ્ય રેલવેમાં કલ્યાણ અને બદલાપુર વચ્ચે હાલ બે લાઈન છે. વધુ બે લાઈન નાખવા 1510 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે જેથી હાલની કલ્યાણ અને કર્જત વચ્ચેની ડબલ લાઈન પરનો બોજો ઘટશે.
કલ્યાણ-આસનગાંવ વચ્ચે 4થી લાઈન માટે 1759 કરોડ
હાલ મધ્ય રેલવેમાં કલ્યાણ અને કસારા વચ્ચે ત્રીજી લાઈન બાંધવામાં આવી રહી છે અને ચોથી લાઈન કલ્યાણ-આસનગાંવ વચ્ચે બંધાતા હાલની લાઈન પરનો બોજો ઘટશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer