પાલિકાની હૉસ્પિટલોમાં ચાલી રહ્યો છે દવાનો ગોરખધંધો

પાલિકાની હૉસ્પિટલોમાં ચાલી રહ્યો છે દવાનો ગોરખધંધો
બે વર્ષનો ક્વોટા એક વર્ષમાં ખતમ, દવા બહાર વેચાતી હોવાની શંકા
 
મુંબઈ, તા. 6 : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ની હૉસ્પિટલમાં દવાઓ મળતી ન હોવાથી દરદીઓ હેરાન-પરેશાન રહે છે. જરૂરી અને સામાન્ય દવાઓ પણ દરદીઓને નથી મળતી. જોકે બીએમસી દ્વારા ખરીદાયેલી બે વર્ષ માટેની દવા એક જ વર્ષમાં પૂરી થઈ ગઈ છે એને લીધે દરદીઓના આંટાફેરા વધી ગયા છે. બીએમસીના કમિશનર અજોય મેહતાએ એ સંદર્ભે રિપોર્ટ મગાવ્યો છે.
બીએમસીએ સપ્ટેમ્બર 2017માં બે વર્ષ માટે 46 કરોડ રૂપિયાની દવા ખરીદી હતી. એ દવા હૉસ્પિટલની જરૂરિયાત પૂછીને ખરીદવામાં આવે છે. એક અધિકારીએ કહ્યું કે દરેક હૉસ્પિટલને તેમની બે વર્ષની જરૂરિયાત કરતાં 40 ટકા વધુ મેડિસીન મગાવવાનો નિર્દેશ અપાયો છે જેથી કોઈ દુર્ઘટના સર્જાય કે દરદીઓ વધી જાય તો તકલીફ ન પડે. દવાની જરૂર પડે તો હૉસ્પિટલો કૉન્ટ્રૅક્ટર પાસેથી મગાવી લે છે. અનેક હૉસ્પિટલોમાંથી દવા પૂરી થઈ હોવાની ફરિયાદ પહોંચી રહી છે, પણ એ માટે કોઈ પગલાં નથી લેવાતાં. એક અધિકારીએ કહ્યું કે અમને ઘણી હૉસ્પિટલોમાંથી દવા માટેના ફોન આવી રહ્યા છે, પણ અમે તેમને કોઈ મદદ ન કરી શકીએ. હવે પછીની દવા હૉસ્પિટલોએ ડીનની મંજૂરીથી લેવી પડશે.
બીએમસીની હૉસ્પિટલોમાંથી દવા બહાર જતી હોવાની શંકા સેવાઈ રહી છે. એક સૂત્રે જણાવ્યું કે `અમે જરૂરિયાત મુજબ દવા મગાવીએ છીએ. એવામાં દવા ઓછી પડવી જ ન જોઈએ. એ બધી દવાઓ પર `ફક્ત બીએમસી માટે' લખેલું હોય છે, પણ કવરમાંથી કાઢ્યા બાદ કૅપ્સ્યૂલ અને ટૅબ્લેટ પર કોઈ લખાણ રહેતું નથી. એવી શક્યતા રહે છે કે કવરમાંથી કાઢીને દવા બહાર લઈ જવાતી હોય અથવા હૉસ્પિટલે પોતાનો ક્વોટા ઓછો બતાવ્યો હોય. ઘણી દવા ખતમ થઈ ગઈ છે. ઘણી મેડિકલ ટેસ્ટની કિટ પણ હૉસ્પિટલમાં નથી. આની તપાસ કરતાં કૌભાંડ બહાર આવી શકે છે.'
વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ કહ્યું કે `હૉસ્પિટલોમાં દવા નથી મળતી. અમને શંકા છે કે હૉસ્પિટલમાંની દવાઓ બહાર લઈ જઈને વેચી મરાતી હશે. આ સંદર્ભે તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને દોષીઓ પર કાર્યવાહી ચલાવવી જોઈએ.' 
એની સામે અજોય મેહતાએ કહ્યું કે `હું દવા નથી મળતી કે દવાનો સ્ટૉક પૂરો થઈ ગયો એ સંદર્ભનો રિપોર્ટ મગાવીશ. આ બાબતને વિસ્તૃત રીતે તપાસવામાં આવશે. હેલ્થ મૅનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ જે આખેઆખા દવાના સ્ટૉક પર નજર રાખે છે અને પારદર્શિતા જળવાઈ રહે છે એ અમે લાવીશું. એને લીધે હંમેશની દવા ઘટવાની તકલીફ પર પૂર્ણવિરામ મુકાઈ જશે.'

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer