અદાણી સામે હવે શિવસેના મેદાનમાં

અદાણી સામે હવે શિવસેના મેદાનમાં
વિધાનસભ્ય અનિલ પરબની ચેતવણી : બેફામ વીજબિલો ઘટાડવામાં નહીં આવે તો અદાણીને ગુજરાત પરત મોકલી આપીશું 
 
મુંબઈ, તા. 6 : અદાણી ઇલેક્ટ્રિક મુંબઈ લિમિટેડ દ્વારા મુંબઈગરાઓને બેફામ વીજળી બિલો ફટકારવાનો મુદ્દો શિવસેનાએ હાથમાં લીધો છે. શિવસેના વિભાગ ચાર અને પાંચ તરફથી વિભાગ પ્રમુખ અને વિધાનસભ્ય અનિલ પરબના નેતૃત્વમાં આજે બાંદ્રા પૂર્વમાં આરએનએ કૉર્પોરેટ હાઉસ ખાતે આવેલી અદાણી વીજ કંપનીની અૉફિસ સુધી પ્રચંડ મોરચો કાઢવામાં આવ્યો હતો, જેમાં મેયર વિશ્વનાથ મહાડેશ્વર પણ સહભાગી થયા હતા. 
અદાણી વીજ કંપની સામેના મોરચામાં શિવસેનાની કામદાર સેના પણ જોડાઇ હતી. કામદાર સેનાના મહામંત્રી જિતેન્દ્ર જાનાવળેએ `જન્મભૂમિ'ને જણાવ્યું હતું કે મુંબઈનાં પરાં વિસ્તારમાં વીજળી આપવાના રિલાયન્સ ઇન્ફ્રાના નેટવર્કનો સોદો અદાણી કંપનીએ કર્યા બાદ છેલ્લા ત્રણેક મહિનાથી સામાન્ય લોકોને બેથી ત્રણ ગણી રકમનાં વીજળીનાં બિલો ફટકારવામાં આવતાં હોવાની વ્યાપક ફરિયાદો છે. શિવસેનાએ સામાન્ય લોકોની આ મુશ્કેલીને ગંભીરતાથી લઇને અદાણીની અૉફિસ સુધી મોરચાનું આયોજન કર્યું હતું. અદાણીની અૉફિસ સુધીના આ મોરચામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 
મોરચાના પ્રતિનિધિઓ વિધાનસભ્ય અનિલ પરબના વડપણ હેઠળ અદાણી ઇલેક્ટ્રિસિટીના સીઇઓ કપિલ મિશ્રાને મળ્યા હતા અને સામાન્ય લોકોની આ સમસ્યાની વિસ્તારથી ચર્ચા કરી હતી. અનિલ પરબે જણાવ્યું હતું કે કંપનીએ વીજબિલો મોકલવામાં ક્યાંક ભૂલ હોવાનું કબૂલ્યું હતું અને તત્કાળ ધોરણે આ વિશે તપાસ કરીને ભૂલ સુધારવામાં આવશે એવી ખાતરી આપી હતી. પરબે મોરચાને સંબોધિત કરતાં ચેતવણી આપી હતી કે અદાણી કંપની પરાવાસીઓનાં વીજળીનાં બિલોમાં 25 ટકાનો ઘટાડો નહીં કરે તો શિવસેના આક્રમક આંદોલન માટે તૈયાર છે. આજે માત્ર શિવસેનાના વિભાગ ક્રમાંક ચાર અને પાંચના મેમ્બરો અને કાર્યકરોનો મોરચો એક ટ્રેલર છે, જો કંપની લોકોની લાગણી અને માગણીને માન નહીં આપે તો મુંબઈમાં શિવસેનાના તમામ 227 વિભાગ મોરચો માંડીને અદાણીને બોરિયા બિસ્તરા બાંધીને ગુજરાત મોકલી આપશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer