માતા-પિતાએ ના પાડવા છતાં નિર્ણયમાં અડગ રહ્યાં
સુરત, તા. 6 : શહેરમાં દર વર્ષે જૈન સમાજમાંથી દીક્ષા લેનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. યુવાનો સંસારની મોહમાયાને ત્યજીને સંયમ જીવન અપનાવવા આગળ વધી રહ્યા છે. શહેરનાં પાલ વિસ્તારમાં બિરાજમાન આચાર્ય યશોવર્મસૂરિ મહારાજની નિશ્રામાં આગામી 9મી ડિસેમ્બરે વહેલી સવારે કરોડપતિ પરિવારનાં દીકરો-દીકરી સહિત ત્રણ લોકો દીક્ષા ગ્રહણ કરી સંયમ જીવન અપનાવશે. કરોડપતિ પરિવારમાંથી આવતાં સંતાનોને દીક્ષા નહિ લેવા માટે પરિવાર તરફથી મોંઘીદાટ ચીજવસ્તુઓ અને જે માગે તે લઈ આપવાનું કહેવા છતાં પણ સંતાનો પોતાના નિર્ણયને અડગ રહી સંયમ જીવન તરફ આગળ વધ્યા છે.
અડાજણનાં તાપી કિનારે લબ્ધિવિક્રમ રાજમંદિર ઊભું કરાયું છે. આજથી દીક્ષા સમારોહ શરૂ થયો છે. જે 9મી ડિસેમ્બરે સંપન્ન થશે. કરોડપતિ પરિવારનો પુત્ર યશ અને પુત્રી આયૂષી અને નવસારીની મોક્ષા વોરાની દીક્ષાનો કાર્યક્રમ શરૂ થયો છે. ચાર દિવસ ચાલનારા દીક્ષા મહોત્સવમાં પહેલા દિવસે મહેંદી રસમ અને સંધ્યાભક્તિ અને આવતીકાલે વરસીદાન યાત્રા યોજાશે. તેમ જ મુમુક્ષો બેઠુ વરસીદાન કરશે. 8મી સવારે સત્સંગ અને અને વીસ સ્થાનક પૂજા કરવામાં આવશે. સાંજે મુમુક્ષોની વાંદોળી અને મહાપૂજા સાથે આરતી કરવામાં આવશે. 9મી ડિસેમ્બરે વહેલીસવારે આચાર્ય અને મહારાજ સાહબોની નિશ્રામાં ત્રણેય મુમુક્ષની દીક્ષા વિધિ યોજાશે. મુમુક્ષોની અનુમોદના કરવા માટે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ આવી રહ્યા છે.
કરોડપતિ પરિવારનાં સંતાનો દીક્ષા ગ્રહણ કરે નહિ તે માટે પુત્ર યશને પિતાએ લકઝરીયસ ઓડી, જગુઆર જેવી કાર અપાવવાની વાત કરી હતી. યશનાં પિતા ભરતભાઈએ આ અગાઉ દીકરાને એક લાખથી વધુ કિંમતની મોંઘીદાટ બાઈક અપાવી ચૂક્યા છે. પિતા ભરતભાઈની ઈચ્છા હતી કે દીકરો કારોબાર સંભાળે અને જીવનમાં આગળ વધે. પરંતુ, યશની સંયમજીવન પ્રત્યેની પ્રચંડ ઈચ્છા આગળ માતા-પિતાએ હા ભણી રાજીખુશીથી દીક્ષા લેવા સંમંતિ દર્શાવી છે. ભરતભાઈનાં કહેવા મુજબ તેમનાં ગામનાં દરેક પરિવારમાંથી કોઈને કોઈ સભ્યએ દીક્ષા ગ્રહણ કરી છે. અમારા પરિવારમાંથી પુત્ર અને પુત્રીએ દીક્ષા લેવાનું નક્કી કર્યુ છે. આયુષીએ આચાર્ય યશોવર્મસૂરિના સાંનિધ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક સ્થળે વિહાર કર્યો છે.
કરોડપતિનાં સંતાનો સુરતમાં દીક્ષા ગ્રહણ કરી સંયમ જીવન અપનાવશે
