ગુજરાતના સીએમઓએ ભારતના નકશાને દર્શાવ્યું ભગવા રંગમાં

ગુજરાતના સીએમઓએ ભારતના નકશાને દર્શાવ્યું ભગવા રંગમાં
કાશ્મીર વિસ્તારને કર્યો ભારતમાંથી ગાયબ
 
સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર મુકાયેલ વીડિયો હાલ ડિલીટ કરાયો
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.6 : સામાન્ય રીતે ભાજપ સરકાર પોતાની મોટાભાગની ઇવેન્ટમાં ભગવા રંગનો વધારે ઉપયોગ કરતી હોય છે. આવી જ રીતે ગુજરાતમાં સ્થપાનારી દેશની સૌ પ્રથમ બાયોટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીના એક વીડિયોમાં પણ ભગવા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, સીએમઓના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર બુધવારે અપલોડ કરાયેલા વીડિયોમાં ગંભીર બેદરકારી સામે આવી હતી.  આ વીડિયોમાં પૃથ્વીના ગોળા ઉપર ભારત દેશને ભગવા રંગથી તો રંગી દીધો પરંતુ કાશ્મીરનો ભાગ દર્શાવવાનું ભૂલી ગયા હતા. વર્લ્ડ મેપમાં ભારતના ભગવા રંગના નકશામાંથી પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના ભાગને બાદ કરી નાખવામાં આવ્યો હતો. પીઓકેને ભારતનો હિસ્સો ન ગણતા ચીને પણ પ્રથમવાર વિવાદિત કાશ્મીરને મામલે નમતું તોળ્યું છે ત્યારે ગુજરાતની સરકારે કાશ્મીરને ભારતનો હિસ્સો ન હોય તેવો નકશો દર્શાવ્યો હતો. 
આ વીડિયોની શરૂઆતમાં લીલા રંગથી દર્શાવેલા ભારતના વિવિધ રાજ્યનો નકશામાં જમ્મુ-કાશ્મીર રાજ્યને ભારતનો ભાગ તો ગણાવાયું છે, પણ તેને ત્રણ અલગ અલગ ભાગમાં વહેંચીને દર્શાવવામાં આવ્યું છે.  આ રીતે અલગ દર્શાવેલા ભાગ હાલ પાકિસ્તાન અને ચીનના કબજા હેઠળ છે. આ ભૂલ ધ્યાનમાં આવતા સીએમઓ દ્વારા આ વીડિયોને તાત્કાલિક ડિલીટ કરી દેવામાં આવ્યોછે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળના છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાત રાજ્યનો 26 જિલ્લાવાળો જૂનો નકશો છપાયો હોવાની ઘટના પ્રકાશમાં આવ્યાને હજુ એક અઠવાડિયું માંડ થયું છે, ત્યાં રાજ્યસરકારે કાશ્મીરના ચોક્કસ ભાગને ભારતના નકશામાંથી બાકાત કરીને ફરી વખત આવો છબરડો વાળ્યો છે!

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer