કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલે રચ્યો ઇતિહાસ

કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલે રચ્યો ઇતિહાસ
32 કિ.મી. દૂરથી ટેલિરોબોટિક એન્જિયોપ્લાસ્ટી કરી
 
ગાંધીનગર, તા. 6 : અમદાવાદના એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટયૂટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલ દ્વારા વિશ્વના ફર્સ્ટ-ઇન-હ્યુમન ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેશન મારફતે ભારતે તબીબી વિજ્ઞાનના ઇતિહાસમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ફર્સ્ટ-ઇન-હ્યુમન (FIH) ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શન ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો હતો.
આ વિશ્વનું સૌપ્રથમ પરક્યુટેનસ કોરોનરી ઇન્ટરવેન્શન (PCI) છે, જે કેથિરાઇઝેશન લેબની બહાર રિમોટ લોકેશન પરથી હાથ ધરાયું છે. ડૉ. તેજસ પટેલ દ્વારા આ PCI પ્રક્રિયા અમદાવાદસ્થિત એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની કેથિરાઇઝેશન લેબથી લગભગ 32 કિમીનાં અંતરે આવેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાંથી હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે મહિલા દર્દી અમદાવાદમાં એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ડૉ. સંજય શાહની દેખભાળ હેઠળ હતી.
આ અભ્યાસની સફળતાએ વિશ્વભરમાં મોટા-પાયે, દૂર અંતરના ટેલિરોબોટિક પ્લેટફોર્મ્સ માટે માર્ગ મોકળો કર્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સંતો પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી અને પૂજ્ય શ્રી ઇશ્વરચરણ સ્વામી આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું કે `રોબોટિક PCIનો ફર્સ્ટ-ઇન-હ્યુમન કેસ ઇન્ટરવેન્શનલ મેડિસિન માટે સીમાચિહ્નરૂપ ઘટના રજૂ કરે છે. સ્ટ્રોક સહિતની કાર્ડિયોવેસ્કયુલર બીમારીઓ વિશ્વભરમાં દર વર્ષે લગભગ 1.8 કરોડ લોકોનાં મોત માટેનું મુખ્ય કારણ છે. ભારતમાં ટેલિરોબોટિક્સનો ઉપયોગ, અત્યાર સુધી શક્ય ન હોય તેવી સંભાળની સુલભતા પૂરી પાડીને નોંધપાત્ર સંખ્યામાં લોકો પર પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવે છે. આપણા દેશને પુષ્કળ મહિમા અને વૈશ્વિક આદર અપાવનાર આ ઐતિહાસિક સંશોધનમાં યોગદાન આપવાનું મને ગૌરવ છે.'
ટેલિરોબોટિક કોરોનરી ઇન્ટરવેન્શનલ પ્લેટફોર્મ ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં પસંદગીના અને ઇમર્જન્ટ પરક્યુટેનસ કોરોનરી ઇન્ટરવેન્શન અને સ્ટ્રોક માટે દર્દીની સુલભતામાં નાટયાત્મક સુધારો લાવવાની ક્ષમતા ધરાવે છે. તે STEMI અને સ્ટ્રોક જેવી ઇમર્જન્ટ પ્રોસિઝર્સની સારવાર માટેનો સમય ઘટાડશે અને ઓપરેટરની કુશળતામાં ભિન્નતા ઘટાડશે અને આમ ક્લિનિકલ પરિણામ સુધારશે.
ડૉ. પટેલે જણાવ્યું હતું કે, `હું આ સફળતાને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરું છું, જેમના હૃદયની સારવાર કરવાનો મને લહાવો મળ્યો હતો. તેમના હૃદયે મારા હૃદયમાં પરિવર્તન લાવ્યું હતું અને આ ટેક્નૉલૉજી મારફતે હું લાખો લોકોના હૃદયમાં પરિવર્તન લાવવા માગું છું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer