અગસ્તા વેસ્ટલૅન્ડ : ચુકવણી કરનારી બૅન્કને હસ્તગત કરાતાં એકાઉન્ટની વિગતો ગાયબ !

અગસ્તા વેસ્ટલૅન્ડ : ચુકવણી કરનારી બૅન્કને હસ્તગત કરાતાં એકાઉન્ટની વિગતો ગાયબ !
નવી દિલ્હી, તા. 6 : અગસ્તા વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટર સોદામાં કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલનું પ્રત્યાર્પણ સીબીઆઈએ મેળવ્યું છે, પરંતુ સીબીઆઈની તપાસ સામે અવરોધ સર્જાયો છે.
તપાસથી વાકેફ અધિકારીઓના જણાવ્યા મુજબ મિશેલના સંયુક્ત આરબ અમીરાતના બૅન્ક ખાતાના સ્ટેટમેન્ટ મેળવવામાં સમસ્યા છે, જે ખાતાનો અંગ્રેજ નાગરિક દ્વારા ભારત ખાતે નાણાં ટ્રાન્સફર કરવા માટે કથિતપણે ઉપયોગ કરાયો હતો અને ત્યાર બાદ ભારતીય રાજકારણીઓ તથા સરકારી અધિકારીઓને ચૂકવાયા હતા. કારણ કે પછીથી બૅન્કનો કબજો લઈ લેવાયો હતો અને એ સમયગાળાને લગતા એકાઉન્ટ સ્ટેટમેન્ટ, કમ સે કમ અત્યાર સુધી ઉપલબ્ધ નથી.
સીબીઆઈએ બુધવારે દિલ્હીની અદાલતને જણાવ્યું હતું કે મિશેલે 370 લાખ યુરો (તે વખતે લગભગ 240 કરોડ અને હાલના હિસાબે 300 કરોડ રૂપિયા) 12 બનાવટી કૉન્ટ્રેકટનો ઉપયોગ કરીને ટ્રાન્સફર કર્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મિશેલે ગ્લોબલ સર્વિસીસ એફઝેડઈ (જીએસએફ), દુબઈના નામે લોઈડ્સ ટીએસબી, યુએઈ બૅન્ક ખાતું ચલાવ્યું હતું. ત્રણ કરોડ યુરોની રકમ અગસ્તા વેસ્ટલૅન્ડ (અગાઉની પિતૃ કંપની ફિનમેસેનિયા) દ્વારા 2006-07 દરમિયાન જીએસએફના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી. સીબીઆઈએ એવો દાવો કર્યો છે કે આ નાણાં ભારત ખાતે ટ્રાન્સફર કરાયાં હતાં અને રાજકારણીઓ તથા સરકારી અધિકારીઓની વચ્ચે વિતરિત કરાયા હતા. સીબીઆઈએ જપ્ત કરેલી મિશેલ દ્વારા લખાયેલી નોંધ ચિઠ્ઠીમાં પણ નાણાં વિતરણની વિગતોનો ઉલ્લેખ કરાયો છે.
પરંતુ લોઈડ્સ ટીએસબી, યુએઈ એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ હજી સુધી ઉપલબ્ધ નથી, કારણ કે 2011-12માં એચએસબીસી દ્વારા આ બૅન્કને હસ્તગત કરાઈ હતી. યુએઈને પાઠવેલા લેટર રોગેટરીમાં સીબીઆઈ-ઈડીએ આ બૅન્ક ખાતાની વિગતો માગી હતી, પરંતુ એચએસબીસીના સત્તાવાળાઓ તરફથી એવી જાણ કરાઈ હતી કે તેમની પાસે પાછલા (વિલિનીકરણ પૂર્વેના) રેકર્ડ્સ નથી. લોઈડ્સ ટીએસબીએ પણ એવો જવાબ પાઠવ્યો હોવાનું જાણવા મળે છે કે, આ બૅન્ક ખાતાને લગતા સ્ટેટમેન્ટ્સ તેમની પાસે ઉપલબ્ધ નથી.
સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે મિશેલની વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવા છે અને યુએઈના સત્તાવાળાઓએ બૅન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પૂરાં પાડવાની ભારતને ખાતરી આપી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer