મારી તબિયત ફાઇન છે, હું હૉસ્પિટલમાં નહીં, ઘરે જ છું : લતા મંગેશકર

મારી તબિયત ફાઇન છે, હું હૉસ્પિટલમાં નહીં, ઘરે જ છું : લતા મંગેશકર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 :  સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે એવી અફવા સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લતાજીએ પોતે જ ટ્વિટર પર જણાવ્યું છે કે `નમસ્કાર, મારી તબિયત બાબતે અફવાઓ ફેલાઈ રહી છે, પણ તમે એના પર વિશ્વાસ ન રાખતા. મારી તબિયત સરસમજાની છે અને હું ઘરે જ છું.'
`લતા મંગેશકરની તબિયત સારી નથી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે' એવો મેસેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો હતો, પણ લતાદીદીએ એ અફવા છે એવી સ્પષ્ટતા કરી છે.
લતા મંગેશકરે 28 સપ્ટેમ્બરે 90મા વર્ષમાં પદાર્પણ કર્યું છે. લતાજીને `ભારત રત્ન'થી નવાજવામાં આવ્યાં હતાં. તેમણે નાનપણથી જ સંગીતક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. લતાદીદી સંગીત ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાનાં છે એવી ચર્ચાએ પણ ગયા અઠવાડિયે જોર પકડયું હતું. એ સંદર્ભે લતા મંગેશકરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે `ગીત ગાવું એ તો મારો શ્વાસ છે. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું ગીત ગાતી રહીશ. નિવૃત્તિ લેવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? કોઈક ફુરસદિયા માણસે મારી નિવૃત્તિનો ખોટો સંદેશ મીડિયા પર પ્રસરાવ્યો હશે.'

Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer