કાંદાના લઘુતમ ટેકાના ભાવ માટેની લાસલગાંવ માર્કેટની માગણી

કાંદાના લઘુતમ ટેકાના ભાવ માટેની લાસલગાંવ માર્કેટની માગણી
પુણે, તા. 14 : દેશની મોટી કાંદાની જથ્થાબંધ બજાર એપીએમસી, નાશિક-લાસલગાંવના પ્રતિનિધિમંડળે કાંદાના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) અને ખેડૂતો માટેની ભાવાંતર ભુગતાન સ્કીમના અમલ માટેની માગણી દોહરાવી છે.
આ પ્રતિનિધિમંડળ કેન્દ્રના કૃષિપ્રધાન રાધામોહન સિંગ, વેપારપ્રધાન સુરેશ પ્રભુ, કેન્દ્રના ટ્રાન્સપોર્ટપ્રધાન નીતિન ગડકરી અને રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના આગેવાન શરદ પવારને મળી ખેડૂતો માટે આ મુદ્દે ટેકો માગ્યો છે.
ખેડૂત વર્ગ આમ તો હાલ નિરાશા અનુભવી રહ્યો છે, કારણ કે ઉનાળુ કાંદાનું વેચાણ ક્વિન્ટલ દીઠ રૂા. 300માં વેચાઈ રહ્યા છે. ભાવ ઊંચા ઉપજેની રાહમાં જેનો છ મહિનાથી સ્ટોક કરી રાખ્યો હતો તે સડવા લાગ્યા છે. ખેડૂતો પાસે 2.5-3 લાખ ટન ઉનાળુ કાંદાનો સ્ટોક છે. આથી રોજની તેની આવક 15,000 ટનની રહે છે.
નવા ખરીફ પાકના કાંદાની પણ લણણી થઈ રહી છે અને આવક વધવા પર જણાય છે. તેથી બજારમાં `માલ ભરવાની' સ્થિતિ સર્જાવાની ચિંતા થઈ રહી છે. પડોશનાં રાજ્યોમાં પણ કાંદાનો પાક લેવાય છે. મહારાષ્ટ્રના કાંદા માટેની માગ ઘટી છે. મધ્યપ્રદેશમાં તેનો સારો પાક થતાં ઉત્તરના વિસ્તારોમાં તેના પુરવઠાનું દબાણ રહે છે, તો ક્યારેક તેની સારી ઊપજ લઈને દક્ષિણમાં તેની બજારો દબાણમાં રહી છે. આ બધાનાં પરિણામે મહારાષ્ટ્રમાં કાંદાના ભાવ તૂટયા છે. બુધવારે નાશિક જિલ્લાના સતના તાલુકાના બે ખેડૂતોએ 30 ક્વિન્ટલ કાંદા રોડ પર ઠાલવી પોતાની નિરાશા તથા ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer