વૈશ્વિક બજારો નબળાં છતાં નિફ્ટીમાં મામૂલી સુધારો

વૈશ્વિક બજારો નબળાં છતાં નિફ્ટીમાં મામૂલી સુધારો
શૅરબજારની વધઘટ સંકડાઈ રહી છે
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : શૅરબજાર આજે પ્રમાણમાં સાંકડી રેન્જમાં ફરતું રહીને સત્રના અંતે નિફ્ટીમાં 14 પોઇન્ટના મામૂલી સુધારા સાથે બંધ રહ્યું હતું. વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો કેન્દ્રની મોદી સરકાર માટે નકારાત્મક આવવા છતાં બજારનો ટોન છેલ્લા બે દિવસથી સુધારે રહ્યો છે. જોકે, ટેક્નિકલી એનએસઈ ખાતે નિફ્ટીમાં અગાઉ 10,461નું બોટમ તૂટયા પછી બે દિવસથી બજારનો સૂચકાંક મહત્ત્વની સપાટી 10,752 આસપાસ ફરી રહ્યો છે. રિઝર્વ બૅન્કની શુક્રવારની બેઠકના અંતિમ નિર્ણયો અને તેના સારા-નરસા પરિણામોની અસર આગામી અઠવાડિયે નક્કી આવશે.
વૈશ્વિક બજારમાં ચીનની અર્થવ્યવસ્થા બાબતે ઊભરેલી આકાંક્ષાથી આજે બજારોમાં ઉત્સાહનો અભાવ હતો. બીજી તરફ સ્થાનિક બજારમાં નિફ્ટી ટ્રેડની શરૂઆતમાં અગાઉના બંધ 10791થી નીચે 10784 ખૂલીને 10752ની મહત્ત્વપૂર્ણ સપાટીને ટચ કરીને ઉપરમાં 10815ની ટોચ બનાવી અંતે 10805.45 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 33 પોઇન્ટ વધીને 35,992 બંધ રહ્યો હતો. આજે રિઅલ્ટી ઇન્ડેક્સ 2 ટકા સુધરવા સાથે વાહન ઇન્ડેક્સ સ્થિર હતો. જોકે મધરસન 6 ટકા વધ્યો હતો. તેલ-ગેસ માર્કેટિંગ અને ઉત્પાદન અને ઊર્જા કંપનીઓમાં નવી લેવાલીએ સુધારો નોંધાયો હતો. રૂપિયામાં નબળાઈ છતાં ટેક્નૉલૉજી શૅરોમાં પણ દબાણ હતું. જોકે, ચુનંદા ઔદ્યોગિક શૅરો સુધારે રહ્યા હતા. બૅન્કિંગ શૅરોમાં વ્યક્તિગત રીતે વધઘટ થઈ હતી. એકંદરે મુખ્ય વાહન શૅરો, મેટલ અને મહદઅંશે મુખ્ય બૅન્કિંગ શૅરો ઘટાડે હતા. આજે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.13 ટકાના મામૂલી સુધારે રહ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1 ટકા ઘટયો હતો. જેમાં દીવીસ લેબોરેટરી અને અરવિંદ ફાર્મા નોંધપાત્ર ઘટ્યા હતા.
આજે સુધારાની આગેવાની લેતા આયશર મોટર્સ રૂા. 411, અલ્ટ્રાટેક રૂા. 56, રિલાયન્સ રૂા. 5, ટીસીએસ રૂા. 7, બીપીસીએલ રૂા. 10, ગેઇલ અને આઇઓસી અનુક્રમે રૂા. 5 અને રૂા. 4 વધ્યા હતા. જ્યારે ગ્રાસીમ રૂા. 18, ભારતી ટેલી રૂા. 16, એશિયન પેઇન્ટ રૂા. 21 વધ્યા હતા. બીજી તરફ ઘટાડામાં મુખ્ય એચડીએફસી રૂા. 34, એચસીએલ ટેક રૂા. 17, ટીટાન રૂા. 13, કોટક બૅન્ક રૂા. 8, વિપ્રો રૂા. 5, ફાર્મા કંપની સિપ્લા રૂા. 5, ડૉ. રેડ્ડીસ રૂા. 5, મેટલ ક્ષેત્રે જેએસડબ્લ્યુ રૂા. 5 અને ઇન્ડ્સઇન્ડ બૅન્ક રૂા. 6 ઘટીને બંધ રહ્યા હતા. આજે બીએસઈમાં 1260 શૅર સુધરવા સામે 1300 શૅર ઘટયા હતા.
દરમિયાન મેક્સ ઇન્ડિયા 20 ટકા વધ્યો હતો. જ્યારે ફોર્ટિસ હેલ્થકેરમાં ટ્રેડ દરમિયાન 14 ટકા વધઘટ હતી. ટ્રાઇનો ભાવ મર્યાદાનો હુકમ રદ થવાથી ટેલિકોમ કંપનીમાં નવી લેવાલી હતી અહેવાલ મુજબ 32 અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ યોજનામાંથી માત્ર 2 લાર્જકેપ ફંડમાં બેન્ચમાર્ક 
સામે વળતરમાં લાભદાયી રહી છે. જેથી મોટા ભાગના ફંડ હાઉસ નિફ્ટીમાં ઘટાડા સમયે નવી વાયદાની ખરીદીની રાહ જોઈ રહ્યા છે.
એશિયન બજારો
ચીન અને યુરોપની અર્થવ્યવસ્થાના નબળા અહેવાલથી હવે વૈશ્વિક મંદીના સંકેત પ્રબળ થતાં શૅરોમાં ઘટાડો નોંધાયો હતો. જેથી એમએસસીઆઈ વર્લ્ડ ઇન્ડેક્સ અડધા ટકા નીચે ઉતર્યો હતો. જ્યારે એશિયા પેસિફિક એમએસસીઆઈ ઇન્ડેક્સ 1.5 ટકા અને જપાન ખાતે નિફ્ટી 2 ટકા ઘટાડે હતો.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer