શાકભાજી, ઈંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવ ઘટતાં

શાકભાજી, ઈંધણ અને ખાદ્ય પદાર્થોના ભાવ ઘટતાં
હૉલસેલ ફુગાવો નવેમ્બરમાં ઘટીને 4.64 ટકા થયો
 
નવી દિલ્હી, તા.14 (એજન્સીસ): નવેમ્બરમાં હૉલસેલ ફુગાવો - હૉલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબ્લ્યૂપીઆઈ) અૉક્ટોબરના 5.28 ટકાથી ઘટીને 4.64 ટકા થયો છે. નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો માસિક ધોરણે પણ -0.64 ટકાથી ઘટીને -1.96 ટકા થયો છે. સરકારી આંકડા મુજબ, નવેમ્બરમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં 3.31 ટકાનો (નકારાત્મક ફુગાવો) ઘટાડો નોંધાયો છે, અૉક્ટોબરમાં 1.49 ટકાનો ભાવ ઘટાડો થયો હતો. 
શાકભાજીના ભાવ પણ નવેમ્બરમાં 26.98 ટકા ઘટયા હતા, જે અૉક્ટોબરમાં 18.65 ટકા ઘટયા હતા. જોકે, નવેમ્બરમાં ઈંધણ અને ઊર્જાના ભાવમાં ફુગાવો 16.28 ટકા હતો, જે અૉક્ટોબરમાં 18.44 ટકા હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાને લીધે નવેમ્બરમાં ઈંધણ અને ઊર્જાનો ફુગાવો આંશિક ઘટયો હતો. 
પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે ફુગાવો 12.06 ટકા અને 20.16 ટકા હતો, જ્યારે અૉક્ટોબરમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી)માં 23.22 ટકા હતો. 
ખાદ્ય પદાર્થોમાં નવેમ્બરમાં બટાટાના ભાવમાં ફુગાવો 86.45 ટકા રહ્યો હતો. જ્યારે કાંદામાં નકારાત્મક ફુગાવો ઘટીને 47.60 ટકા અને કઠોળનો 5.42 ટકા હતો.  બુધવારે સેન્ટ્રલ સેટિસ્ટીક્સ અૉફિસ (સીએસઓ)ના આંકડા જાહેર થયા હતા, જેમાં અૉક્ટોબરમાં ઔદ્યોગિક કામગીરી સુધરી હોવાનું અને નવેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટયો હોવાનું જાહેર થયું હતું. ઔદ્યોગિક કામગીરી 11 મહિનાની ટોચે 8.1 ટકા હતી, જ્યારે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) આધારિત રિટેલ ફુગાવો 17 મહિનાની નીચલી સપાટીએ 2.33 ટકા હતો. ઔદ્યોગિક ઉત્પાદન સપ્ટેમ્બરના 4.5 ટકાથી વધ્યુ હતું, જેનું મુખ્ય કારણ અગ્રણી ક્ષેત્રોમાં થયેલી વૃદ્ધિ હતી. ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકમાં ઉત્પાદન ત્રણ ચતૃથાંશ હિસ્સો ધરાવે છે, જે સપ્ટેમ્બરના 4.6 ટકાથી વધીને અૉક્ટોબરમાં 7.9 ટકા હતો. વીજળી ઉત્પાદન 7 ટકાથી વધીને 10.8 ટકા જ્યારે માઈનિંગ ઉત્પાદન લગભગ શૂન્ય ટકાથી વધીને 7 ટકા થયું હતું. કૅપિટલ ગુડ્સ વધીને 16.8 ટકા થયો હતો.
સીપીઆઈ અૉક્ટોબરના 3.38 ટકાથી ઘટયો હતો, જેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો, રિટેલ ઈંધણના ભાવમાં ઘટાડો અને હાઉસિંગ રેન્ટ એલાવન્સમાં પુનરાવર્તન હતું. શાકભાજી, કઠોળ અને ખાંડના ભાવ ઘટતા ખાદ્ય પદાર્થોનો સૂચકાંક નવેમ્બરમાં ઘટીને 2.61 ટકા થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer