દહિસર અને કાંદિવલીમાં પાણીકાપથી લોકો પરેશાન

ડિસેમ્બરમાં જ પૂરતું પાણી નથી મળતું તો ઉનાળામાં શું થશે?
 
અમારા પ્રતિનિધિ રફથી
મુંબઈ, તા. 14 : મુંબઈ મહાપાલિકાએ લાગુ પાડેલા 10 ટકા પાણીકાપની અસર મુંબઈગરાઓને ધીરે-ધીરે વર્તાવા લાગી છે. ચોમાસું પૂરું થયાને હજી દોઢ મહિનો પણ પૂરો નથી થયો ત્યાં પાણીનું ધીમું પ્રેશર, માટી મિશ્રિત ડહોળું પાણી અને અપૂરતા પાણીપુરવઠા જેવી તકલીફો વેઠવી પડી રહી છે. પશ્ચિમી પરાંમાંના દહિસર-પૂર્વના અમુક વિસ્તારો સહિત કાંદિવલી-પશ્ચિમના ચારકોપમાં પાણીની તકલીફોથી લોકોમાં નારાજગી પ્રસરી છે અને તેઓ વિચારી રહ્યા છે કે જો ડિસેમ્બરમાં આવી પરિસ્થિતિ ભોગવવાનો વારો આવ્યો છે તો ઉનાળામાં પીવાનું પાણી પણ મળશે ખરું?
પાણીકાપનું સંકટ મુંબઈના અનેક વિસ્તારોમાં ફરી વળ્યું છે ત્યારે દહિસર-પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશર સાથે આવવું, પાણી ઓછા સમય મળવું અને અમુક વિસ્તારોમાં શરૂઆતમાં ડહોળું પાણી આવતાં લોકો કંટાળી ગયા છે. દહિસર-પૂર્વના રાવલપાડા, ઘરટનપાડા, કોકણીપાડા, જય ભવાનીનગર જેવા અનેક વિસ્તારોમાં પાણીને લીધે લોકો હેરાન-પરેશાન છે. ડુંગરવાળા ઊંચાઈએ આવેલા કોકણીપાડામાં પાણીનું પ્રેશર તદ્દન ઓછું હોવાથી લોકોને પૂરતું પાણી મળતું નથી. બૂસ્ટર પમ્પ બેસાડવા છતાં પાણી મળતું નથી.
ચારકોપના પ્રાઇવેટ તેમ જ મ્હાડાના મકાનમાં રહેતાં 16,000 જેટલાં કુટુંબો પાણીપ્રશ્ને પરેશાન છે. એ ઉપરાંત પ્રાઇવેટ સોસાયટીઓમાં રહેતા દોઢથી બે લાખ લોકો પણ પાણીને લીધે હેરાન છે.
પાણીપ્રશ્ને અનેક ફરિયાદો કર્યા છતાં કોઈ પ્રતિસાદ મળતો ન હોવાનું દહિસર અને ચારકોપવાસીઓ કહી રહ્યા છે.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer