રિક્ષા-ટૅક્સીવાળાઓને મિનિમમ ભાડાંમાં વધારો જોઈએ છે

અૉટોના 18ના રૂપિયા 19 અને ટૅક્સીના 22ના રૂપિયા 25 કરવાની માગણી
 
મુંબઈ, તા.14 : રિક્ષા અને ટૅક્સી ચાલકોના સંગઠનોએ મિનિમમ  ભાડામાં એકથી ત્રણ રૂપિયાના વધારાની માગણી રાજ્ય સરકાર સામે રાખી છે પરંતુ પ્રવાસી સંગઠનોએ આ વધારાની માગણીનો વિરોધ કર્યો છે.
વર્ષ 2015માં રિક્ષા અને ટૅક્સીનું મિનિમમ ભાડું અનુક્રમે રૂપિયા 17થી વધારીને 18 તેમ જ 21 રૂપિયાથી વધારીને બાવીસ રૂપિયા કરાયું હતું. હવે ત્રણ વર્ષ બાદ પેટ્રોલ અને અને ગૅસના ભાવ વધારાને ધ્યાનમાં લઇને મિનિમમ ભાડામાં વધારો જરૂરી હોવાનું રિક્ષા અને ટેક્સી સંગઠનોનું કહેવું છે. રિક્ષાચાલક સંગઠને મિનિમમ ભાડું એક રૂપિયો વધારીને 19 અને ટેક્સી ચાલક સંગઠને મિનિમમ ભાડામાં ચાર રૂપિયા વધારીને પચીસ રૂપિયા કરવાની માગણી ઉઠાવી છે. 
પ્રવાસી સંગઠનોએ જણાવ્યું હતું કે રિક્ષા અને ટેક્સીઓનાં ભાડાં વધારા માટે ખટુવા સમિતિની ભલામણોને અનુસરીને મોંઘવારી દર પ્રમાણે જ ભાડાં વધવા જોઇએ. આ માપદંડ પ્રમાણે હાલનાં ભાડાં યોગ્ય છે. રિક્ષા અને ટેક્સી સંગઠનોએ પોતાની માગણીઓની રજૂઆત સરકાર સમક્ષ કરી છે તેથી સરકાર આ સંબંધે શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer