એલટીએસઈ સાથેનો કરાર રદ કરવામાં આવ્યો

મોનોરેલનો વહીવટ MMRDAએ આખરે પોતાના હસ્તક લઈ લીધો
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી- એમએમઆરડીએએ મોનોરેલ ચલાવવા અંગેનો લાર્સન ઍન્ડ ટ્રુબ્રો અને સ્કોમી એન્જિનિયરિંગ બીએચડીની સંયુક્ત કંપની મે. એલટીએસઈ સાથેનો કરાર રદ કર્યો છે.
એમએમઆરડીએના મેટ્રોપોલિટન આયુક્ત આર. એ. રાજીવે જણાવ્યું હતું કે ચેમ્બુર અને વડાલા વચ્ચેના મોનોના પ્રથમ તબક્કા અંગે કંપની સાથે વર્ષ 2008માં કરાર કરવામાં આવ્યો હતો. કરાર રદ કરતાં પહેલાં સંબંધિત કંપનીને કામમાં સુધારો કરવાની પૂરેપૂરી તક આપવામાં આવી હતી. ડબાનો પુરવઠો, ટ્રાફિકનું સંચાલન અને વ્યવસ્થાપન કરવા તેમ જ કરારમાંની કલમોના પાલન એમ બધા સ્તરે કંપની નિષ્ફળ નીવડી છે.
આ કંપની બિન કાર્યક્ષમતાને કારણે મોનોરેલનો વડાલાથી સંત ગાડગે મહારાજ ચોક સુધીનો બીજો તબક્કો શરૂ કરવામાં પણ અક્ષમ્ય વિલંબ થયો છે. કંપની સાથેના કરારમાં જણાવ્યા મુજબ મે. એલટીએસઈ કંપનીએ આપેલી 200 કરોડ રૂપિયાની બૅન્ક ગેરેન્ટીની રકમ પ્રાધિકરણ પોતાના કબજામાં લેશે. આ અંગે આપવામાં આવેલી કાયદેસર નોટિસનો સંબંધિત કૉન્ટ્રેકટરે પ્રતિસાદ નહીં આપતા આ કાર્યવાહી કરવામાં આવી છે. કૉન્ટ્રાકટરને આપવામાં આવેલી કાયદેસર નોટિસનો ઉત્તર આપવામાં આવ્યો નહીં હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે, એમ રાજીવે ઉમેર્યું હતું.
મોનોરેલની સેવા અત્યાર સુધી ચાલતી હતી એમ જ ચાલુ રાખવામાં આવશે. મોનોના કામકાજ માટે કંપની તરફથી નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓનાં હિતને ધ્યાનમાં રાખીને બાહ્ય સંસ્થા મારફતે તેઓની સેવા લેવાશે. હવે મોનોનું સંચાલન અને વ્યવસ્થાપન કરવા માટે વિવિધ વિભાગોના પ્રમુખ તરીકે પ્રાધિકરણમાંના કર્મચારીઓ જવાબદારી નિભાવશે.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer