બીલ્ડરો ફ્લૅટના કબજામાં વિલંબ માટે બહાનાં આગળ ધરી શકે નહીં : ગ્રાહક પંચ

નવી દિલ્હી, તા. 14 : બીલ્ડર ઘર ખરીદનારા ગ્રાહકોને ફ્લૅટનો કબજો આપવામાં થયેલા વિલંબ માટે સત્તાવાળાઓ દ્વારા મંજૂરી નથી મળી, જમીન પ્રાપ્તિમાં અવરોધો આવી રહ્યા છે. એવા કે અન્ય બહાનાં આગળ ધરી શકે નહીં એવો હુકમ સર્વોચ્ચ ગ્રાહક પંચે આપ્યો છે.
હરિયાણાના પંચકુલા ખાતે ફ્લૅટ ખરીદનારા 16 ગ્રાહકોને ફ્લૅટનો કબજો સોંપવાનો ડીએલએફની સબસિડિયરી કંપનીઓને આદેશ આપતાં નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)ની બે સભ્યોની બેન્ચે આ ગ્રાહકોને વાર્ષિક એક લાખનું વળતર તેમ જ તેમણે અત્યાર સુધી કરેલી ચુકવણી પર વ્યાજ (બૅન્કો જે હોમ લોન પર વ્યાજદર લગાડે છે) ચૂકવવાનો કંપનીને આદેશ આપ્યો હતો અને આ વળતર અને વ્યાજ ફેબ્રુઆરી 2014થી લાગુ પાડવામાં આવ્યાં છે.
બીલ્ડરે વચન પ્રમાણે આપેલી તારીખે ફ્લૅટોનો કબજો આપવાની ખાતરી આપી છે. કમિશને સેલ-ડીડનું રજિસ્ટ્રેશન પૂરું કરવાનો બીલ્ડરને અને રજિસ્ટ્રેશનનો ખર્ચ ઘર ખરીદનારા ગ્રાહકોને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ હુકમ કે જેની સમગ્ર દેશમાં અસર થશે તેમાં ડીએલએફ હોમ્સ પંચકુલાને સ્ટ્રક્ચરલ ડ્રૉઇંગ્સ અને બાંધકામના પ્લાન, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ વગેરેના પ્લાન ફ્લૅટ ખરીદનારાઓને આપવાનો હુકમ આપવામાં આવ્યો છે. જેથી જાળવણી કે સમારકામના કેસમાં તેઓએ બીલ્ડર પર નિર્ભર રહેવું ન પડે.
Published on: Sat, 15 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer